વોલીબોલનો નવસારીનો એ નામી પ્લેયર જેનાં પર વલસાડમાં બોલની માફક આવેલાં ટાયરે જીવ લઈ લીધો

ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડના ગુંદલાવ નેશનલ હાઈવે નંબર 48 ઉપર હોટલ સાંઈ કિરણની સામે મુંબઈ થી અમદાવાદ રોડ પર બનેલી અકસ્માતની ગંભીર ઘટનામાં નવસારીના કાલિયાવાડી ખાતે રહેતો 27 વર્ષીય યુવક રાહુલ નાયકા ઉર્ફે રાહુલ કાલિયાવાડી જૂજવા પોતાના સાસરે જમ્યા બાદ સાંજે ટુર્નામેન્ટ રમવા પેરા ગામ જવાનું હોવાથી પરત પોતાના ઘરે નવસારી કાલ્યાવાડી જવા સ્પ્લેન્ડર બાઈક નંબર GJ-21-DA-0926 પર નીકળ્યા હતા. રાહુલ પોતાની બાઈક પર ગુંદલાવ સાંઈ કિરણ હોટલ નજીક પહોંચ્યા તે દરમિયાન એકાએક અમદાવાદ મુંબઈ હાઈવે પરથી પસાર થઇ રહેલ અજાણી ટ્રકનું સ્ટેપની ટાયર એકાએક છુટુ પડી પુર પાટ ઝડપે મુંબઈ અમદાવાદ માર્ગ પર આવી ચડતા રાહુલની સ્પ્લેન્ડર બાઈક સાથે ધડાકાભેર અથડાતા રાહુલ નેશનલ હાઈવે પર પટકાયા હતા. અને પાછળથી આવતી એક ટ્રક નંબર HR-67-C-1139નું ટાયર રાહુલના શરીરના ભાગે ચઢી જતા તેને ગંભીર ઈજાઓ પહોચી હતી. જેના પગલે આસપાસના સ્થાનિકો તથા રાહદારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને ઘટનાની જાણ વલસાડ 108ની ટીમને કરી હતી. ઘટનાની જાણ થતા 108ની ટીમ ટ્રાફિક વચ્ચે ઘટનાસ્થળે દોડી આવી હતી. અને રાહુલની યોગ્ય તપાસ કરતા શરીરમાંથી વધૂ પડતુ લોહી વહી ગયું હોવાના કારણે તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હોવાનું 108ના કર્મચારીઓએ જણાવ્યું હતું. જે બાદ વલસાડ રૂરલ પોલીસ તથા જિલ્લા ટ્રાફિક પોલીસને ઘટનાની જાણ કરાઈ હતી અને ઘટનાની જાણ થતાની સાથેજ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. જાણ થતાની સાથે રાહુલની પત્ની તથા તેમના સસરા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પત્નીને આઘાત લાગતા હૈયાફાટ રૂદનથી રાહદારીઓમાં પણ શોકની કાલિમા છવાઈ હતી. પોલીસે સેવાભાવી એમ્બ્યુલન્સ સંચાલક સુનીલભાઈની મદદથી લાશનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
સમગ્ર બનાવની જાણ વાયુ વેગે પ્રસરતા મૃતક રાહુલના પરિવારજનો તથા સાથી ખેલાડીઓમાં શોકની કાલિમા છવાઈ હતી. તમામમિત્રો તથા પરિવારજનો વલસાડની સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.
નવસારી જિલ્લાના કાલિયાવાડી ખાતે રહેતા રાહુલ નાયકા ઉર્ફે રાહુલ કાલિયાવાડી વોલીબોલ જગતમાં આગવુ સ્થાન ધરાવતા હોવાથી નવસારીના પેરા ખાતે યોજવામાં આવેલ ઈન્વિટેશન ટુર્નામેન્ટ પણ મૌકુફ રાખવામાં આવી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!