ગુજરાત એલર્ટ l આહવા
ઉત્તર ડાંગ વન વિભાગ, આહવા દ્વારા મહાલ સ્થિત કેમ્પ સાઇટ ખાતે નાયબ વન સંરક્ષક દિનેશ રબારીની અધ્યક્ષતામાં, ફોરેસ્ટ પ્રોટેકશન પ્લાન રીવ્યુ અંગે એક દિવસીય વર્કશોપ યોજાયો હતો.
જેમાં, ઉત્તર ડાંગ વન વિભાગ હસ્તકની તમામ રેન્જના પરિક્ષેત્ર વન અધિકારીઓ, રાઉન્ડ ફોરેસ્ટર અને બિટગ઼ાર્ડ એમ ક્ષેત્રીય સ્ટાફ તથા વિભાગિય કચેરીના તમામ સ્ટાફે હાજરી આપી હતી.
નાયબ વન સંરક્ષક દિનેશ રબારી દ્વારા તમામ ક્ષેત્રીય સ્ટાફને ખૂબ જ ઝીણવટ ભર્યું માર્ગદર્શન આપ્યું હતુ. જેમાં ફોરેસ્ટ પ્રોટેકશનના સમાવિષ્ટ વિવિધ પાસાઓ જેવા કે, ફ્લોરા અને ફોનાનું સંરક્ષણ અને સંવર્ધન તથા તેમાં લોક ભાગીદારી અને સહકારથી સંરક્ષણ અને સંવર્ધનમાં સતત વૃદ્ધિ થાય તે બાબત પર ભાર મૂક્યો હતો.
ક્ષેત્રીય સ્ટાફ તેમના હસ્તકના રિઝર્વ ફોરેસ્ટ અને પ્રોટેક્ટ ફોરેસ્ટ વિસ્તારની હદથી સુપેરે પરિચિત રહે તથા, બિનઅધિકૃત દબાણ રોકવા ઉપર ખાસ ધ્યાન આપવાની જરૂરિયાત છે, તેમ જણાવી જંગલ જમીન સંરક્ષણ પર ભાર મૂક્યો હતો.
ગેરકાયદેસર વૃક્ષ કપાણ, વન્યજીવ શિકારના નિયંત્રણ માટે વ્યૂહાત્મક સ્થળોએ પ્રોટેક્શન ચોકી તથા એન્ટી પોચિંગ કેમ્પના નિર્માણ કરવા પર ધ્યાન દોર્યું હતું. ક્ષેત્રિય સ્ટાફના સતત ફેરણા અને પેટ્રોલિંગના વ્યુહાત્મક આયોજન કરવા અંગે સૂચન આપ્યું હતું. દવથી થતા નુકસાનને રોકવા માટે વોચ ટાવરનું નિર્માણ તથા રેપિડ એક્શન ફાયર ટાસ્ક ટીમ રચવા પર ભાર મૂક્યો હતો.
વધુમા વન કર્મીઓને ટેક્નોલોજીના ઉપયોગ થી ડોક્યુમેન્ટેશનની કામગીરી કરવા પણ સુચન કર્યુ હતુ.
આ વર્કશોપમાં ઉત્તર વન વિભાગની તમામ રેંજના આર.એફ.ઓ દ્વારા તેઓના રેંજ કાર્ય વિસ્તારમાં ફોરેસ્ટ પ્રોટેકશન પ્લાન અન્વયે કરવામાં આવતી વિવિધ કામગીરી અંગે પ્રેઝન્ટેશન રજૂ કરી વિસ્તારપૂર્વક માહિતી પૂરી પાડી હતી.
આ ફોરેસ્ટ પ્રોટેક્શન પ્લાન અંગેના એક દિવસીય વર્કશોપમાં તમામ ક્ષેત્રીય સ્ટાફ અને નાયબ વન સંરક્ષક દિનેશ રબારીએ પરસ્પર દ્વિપક્ષીય સંવાદથી વિવિધ પાસાઓ પર પોતાના વિચારો રજૂ કર્યા હતા, અને તે અન્વયે કામગીરી કરવાનો નિર્ધાર કર્યો હતો. સાથે સાથે આગામી સમયમાં અન્ય વિષયો પર પણ આવા એક દિવસીય સંવાદ કાર્યક્રમ યોજવાનું આયોજન કરવામા આવ્યુ હતુ.