ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નાના બાળકો માટે રૂા. ૪૦ લાખના ખર્ચે તૈયાર થયેલા એસ. એન. સી. યુ. સેન્ટરને રાજયના નાણાં, ઊર્જા અને પ્રટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઇ દેસાઇએ ભીલાડ અને આજુબાજુના ગામોના ગ્રામ્યજનો માટે ખુલ્લું મૂકયું હતું.
મંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનો એવો પ્રયાસ છે કે, દેશનો પ્રત્યેક નાગરિક સરકારની જે યોજનાઓ છે તેના લાભથી વંચિત ન રહે એના માટે દેશભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરૂ કરી છે એના સારા પરિણામો મળી રહયા છે. બીજા રાજયમાં આ યાત્રાનો વરઘોડાની જેમ સત્કાર કરવામાં આવે છે. ગુજરાતમાં પણ આ યાત્રાથી લાભાર્થીઓને તેમના લાભો મળી રહયા છે. વધુમાં મંત્રીશ્રીએ દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત અને ૨૦૨૭ સુધીમાં દેશના અર્થતંત્રને વિશ્વમાં ત્રીજા નંબરે લઇ જવાના ધ્યેય સાથે દેશનો વિકાસ કરી રહયા છે ત્યારે દેશના વિકાસમાં સૌ નાગરિકોને જોડાવવા અનુરોધ કર્યો હતો.
મંત્રીશ્રીએ આ પ્રસગે વાપી ખાતે ૧૨૫ બેડની મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ તૈયાર થઇ રહી છે અને તે ડિસેમ્બરના અંતમાં તૈયાર થશે. ઉમરગામ ખાતે આવી જ હોસ્પિટલ તૈયાર કરવા માટે ઉમરગામના ધારાસભ્યશ્રી રમણલાલ પાટકરની માંગણી સંદર્ભે તેમના તરફથી ઉમરગામ તાલુકાની આઠ લાખની વસતી માટે જરૂરી હોસ્પિટલની મંજૂરી માટે બાહેંધરી આપી હતી.
સ્પેશિયલ ન્યુબોર્ન કેર યુનિટ વલસાડ જિલ્લા પંચાયતની ૧૫માં નાણાપંચની રૂ. ૪૦ લાખની ગ્રાંટ માંથી તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં ૬ ઈન્ફન્ટ વોર્મર, ૩ ફોટોથેરાપી યુનિટ, ૬ સિરીંજ પંપ, ૩ પલ્સ ઓક્સીમીટર, ૨ મલ્ટી પેરા મોનીટર, ૧ ઈસીજી મશીન, ૧ સીપીએપી બબલ મશીન, ૧ વોશીંગ મશીન, ૧ લેરિન્ગોસ્કોપ, ૧ સકશન પંપ ફૂટ ઓપરેટેડ, ૩ સકશન પંપ ઈલેકટ્રીક, ફ્રીઝ, ૭ અંબુ બેગ અને કમ્પ્યુટર પ્રિન્ટર સેટની સુવિધા પણ આપવામાં આવી છે. અહીં નિષ્ણાંત તબીબો દ્વારા ઉચ્ચ કક્ષાની આરોગ્ય સેવાઓ પ્રદાન કરવામાં આવશે.
આ પ્રસંગે ઉમરગામના ધારાસભ્યશ્રી રમણલાલ પાટકરે પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું. આ પ્રોજેકટની રૂપરેખા જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાનીએ આપી હતી. આભારવિધિ ભીલાડ સામૂહિક આરોગ્ય કેન્દ્રના ર્ડો. નેહલ પટેલે કરી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના માજી પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતના ચેરમેન ભરતભાઇ જાદવ, પારડી પ્રાંત અધિકારી અંકિત ગોહિલ, જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ર્ડો. કે. પી. પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડો. વિપુલ ગામીત, તાલુકા હેલ્થ ઓફિસર રૂપેશ ગોહિલ તેમજ સી. એચ. સી. ના આરોગ્ય કર્મચારીઓ હાજર રહયા હતા.