ગુજરાત એલર્ટ । ખેરગામ
ખેરગામ તાલુકામાં સમાવિષ્ટ તમામ ગામો પૈકી મોટા ભાગ આદિવાસી વિસ્તાર ઘરાવે છે.ખેરગામ તાલુકા હેઠળ આવતા તમામ ગામના લોકો પૈકી મોટા ભાગના લોકો ખેતી અને મજૂરીકામ કરી પોતાનો જીવનનિર્વાહ ચલાવે છે.ઉજજવલા યોજના હેઠળ ગરીબ, મજૂરીકામ કરતા લોકોનો ઉજજવલા ગેસ લાભાર્થીઓ તરીકે સમાવેશ કરવામાં આવેલ છે . હાલમાં ઉજજવલા યોજનાના લાભાર્થીઓએ કે.વાય.સી. કરવું ફરજીયાત કરવામાં આવેલ છે.લાભાર્થીઓને ગેસના બાટલા પુરી પાડતી એજન્સીઓ વલસાડ , બિલીમોરા ખાતેઆવેલ હોય લાભાર્થીઓએ કે.વાય.સી. કરવા માટે પોતાના કામધંઘા છોડી વલસાડ , બિલીમોરા સુધી લાંબા થવું પડે છે.વળી કલાકો સુઘી લાઈનમાં ઉભા રહેવું પડે છે તેમજ એજન્સીની ઓફિસ શોધવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને આવવા જવાનો ખર્ચ પણ કરવો પડે છે.લાભાર્થીઓને કેવાયસી માટે ગામ અને વિસ્તાર દીઠ કેમ્પનું આયોજન કરવામાં આવે તો ઉજજવલા ગેસના લાભાર્થીઓને પડતી મુશ્કેલી મોટા ભાગે નિવારી શકાય તેમ હોય જેના માટે પંચાયત સભ્ય મહેશ ભાનુશાલી,નિશાંત પરમાર,જિજ્ઞાબેન પટેલ સહિતના સભ્યોએ મામલતદારને રજુઆત કરી લોકોને પડતી હાલાકી દૂર કરવા અપીલ કરવામાં આવી છે.