પારડીના બગવાડા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું હર્ષોલ્લાસભેર સ્વાગત કરાયું

ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના બગવાડા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા ગ્રામજનો દ્વારા હર્ષોલ્લાસભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ કુમકુમ તિલક અને સામૈયાં સાથે અદકેરું સ્વાગત કર્યું હતું.

કાર્યક્રમ સ્થળે સરકારની કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત માહિતી આપતા સ્ટોલ અને હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૯૮ લોકોએ પોતાના આરોગ્યની તપાસ કરાવી હતી.

મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સહાય વિતરણ તથા ગામની સશકત કિશોરી, તેજસ્વી વિદ્યાર્થીઓ, રમતવીર, સ્થાનિક કલા કારીગરને પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. “મેરી કહાની,મેરી જુબાની” થીમ અન્વયે આઈડીસીએસ વિભાગની પોષણ યોજના, આયુષ્યમાન કાર્ડ યોજના, મિશન મંગલમ, પીએમ અન્ન સુરક્ષા યોજના અને પીએમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓએ યોજનાકીય લાભથી થયેલી પોતાની પ્રગતિની સાફલ્યગાથા વર્ણવી સરકાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો પ્રજાજોગ વિકસિત ભારત સંકલ્પ અન્વયેનો રેકોર્ડ કરેલો સંદેશો સાંભળી લોક કલ્યાણકારી યોજનાઓનાં લાભાર્થીઓનાં પ્રતિભાવો દર્શાવતી શોર્ટ ફિલ્મ નિહાળી હતી. ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા શપથ ગ્રહણ કર્યા હતા.

આ કાર્યક્રમમાં બગવાડા ગામના સરપંચ જાગૃતિબેન, ઉપસરપંચ જવાહરભાઈ, ગામના અગ્રણીઓ, પશુપાલન વિભાગ, આરોગ્ય વિભાગ, ખેતીવાડી વિભાગ, આઈ.સી.ડી.એસ. સહિતનાં સંબધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!