ઉમરગામના પાલીમાં ધારાસભ્યશ્રી રમણલાલ પાટકરના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ

ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના પાલી ગામમાં આવી પહોંચેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉષ્માભેર સ્વાગત ધારાસભ્યશ્રી રમણલાલ પાટકરની ઉપસ્થિતિમાં ગ્રામજનોએ હર્ષોલ્લાસભેર કર્યુ હતું. રથને ગ્રામજનોએ કુમકુમ તિલક અને અક્ષતથી વધાવી લઈ યોજનાકીય લાભો ગ્રામજનોને આપવામાં આવ્યા હતા.

આ પ્રંસગે ઉમરગામના ધારાસભ્યશ્રી રમણલાલ પાટકરે ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાનો લાભ લેવા અને વિકાસ સાધવા તેમજ રાષ્ટ્રના વિકાસમાં પોતાનું યોગદાન આપવા આહવાન કર્યુ હતું. લાભાર્થીઓને પીએમ જેએવાય, પ્રધાનમંત્રી આવાસ યોજના, પીએમ કિસાન સન્માન નિધિ યોજના, સંકલિત બાળ વિકાસ યોજના, પ્રધાનમંત્રી અન્ન યોજના, ઉજ્જવલા યોજના, મિશન મંગલમ, સમાજ સુરક્ષા યોજના, વૃધ્ધ પેન્શન યોજના અને ખેતીવાડીની વિવિધ યોજનાઓ અંગે ગ્રામજનોએ માહિતી મેળવી હતી. આ સાથે જ ૨૪૭૭ ગ્રામજનોએ સરકારની વિવિધ યોજનાના લાભો મેળવ્યા હતા. ક્વીઝ પ્રતિયોગિતામાં પણ લોકોએ લાભ લીધો હતો. ૧૫ લોકોએ સ્થળ પર જ નમો એપ ડાઉનલોડ કરી હતી.

મેરી કહાની, મેરી જુબાની હેઠળ પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, પીએમ પોષણ શક્તિ નિર્માણ, આયુષ્યમાન કાર્ડ યોજના, પીએમ ઉજવલા યોજના અને આવાસ યોજનાના લાભાર્થીઓએ પોતાને મળેલા લાભો અંગે પ્રતિભાવ આપી અન્ય લોકોને પણ યોજનાકીય લાભો લેવા માટે અનુરોધ કર્યો હતો. ગામનું નામ રોશન કરનાર મહિલા, ખેલાડી, વિદ્યાર્થીઓ અને સ્થાનિક કલાકારો મળી કુલ ૧૫ લોકોનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. સ્થળ ઉપર જિલ્લા પંચાયતના આરોગ્ય ખાતા દ્વારા આયોજિત કરાયેલા હેલ્થ કેમ્પમાં ૪૭ લોકોએ ટીબી અને ૩૬ લોકોએ સિકલસેલની તપાસ કરાવી હતી. જયારે ૩૬૫ લોકોએ આરોગ્યલક્ષી તપાસ કરાવી સારવાર અને માર્ગદર્શન મેળવ્યું હતું. વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા અંગે ગ્રામજનોએ સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા પંચાયત સભ્ય મુકેશભાઈ બી.પટેલ, ઉમરગામ તાલુકા પંચાયતના સભ્ય અનિતાબેન વી.વારલી, ઉમરગામના તાલુકા વિકાસ અધિકારી ચંદ્રકાંત પઢિયાર, સંગઠનના આગેવાન નિલેશ ભંડારી, પ્રકાશ પટેલ, પાલી ગામના માજી સરપંચ ભરત કાંતી વારલી અને તાલુકા પંચાયતના દિલીપભાઈ વરઠા સહિત ગ્રામજનો અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!