ધરમપુર તાલુકામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાની પૂર્ણાહૂતિ, આસુરામાં ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો

ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લાના ગામડાઓમાં ભ્રમણ કરી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાની જિલ્લા ૬ તાલુકા પૈકી ધરમપુર તાલુકામાં આજે તા. ૧૬ ડિસેમ્બરના રોજ પૂર્ણાહૂતિ થઈ હતી. તા.૧૫મી નવેમ્બર ‘જનજાતીય ગૌરવ દિવસ’થી ધરમપુરમાં શરૂ થયેલી આ યાત્રા ૩૨ દિવસમાં ૬૩ ગામમાં ફરીને લોકોને સરકારની યોજનાથી લાભાન્વિત કર્યા હતા. સાથે લોકોને સરકારની યોજનાથી માહિતગાર પણ કર્યા હતા. આજે અંતિમ દિવસે અસુરા ગામમાં આવી પહોંચેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલની ઉપસ્થિતિમાં કુમ કુમ તિલક કરી સ્વાગત કરાયું હતું.

ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા ધરમપુર તાલુકામાં આજે પૂર્ણ થઈ છે. આ યાત્રા દરમિયાન ૬૩ ગામના લોકોએ સરકારની યોજનાનો લાભ લઈ વર્ષ ૨૦૪૭ સુધીમાં આપણા દેશને વિકસિત ભારત બનાવવાના સંકલ્પ લીધા છે. ખરેખર આ યોજના તાલુકાના લોકો આશીર્વાદ સમાન પૂરવાર થઈ છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા ગ્રામજનોને ઘર બેઠા વિવિધ કલ્યાણકારી યોજનાના લાભ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત સાંઈનાથ હોસ્પિટલના ડો. હેમંતભાઈ પટેલ, વલસાડ જિલ્લા કિસાન મોર્ચાના પ્રમુખ ગણેશભાઈ બિરારી, સંગઠનના યુવા મોર્ચાના મહામંત્રી પ્રભાકર યાદવ, મયંક પટેલ અને તાલુકા સંગઠન મહામંત્રી અક્ષય પટેલ દ્વારા લાભાર્થીઓને સહાય અને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગામનું નામ રોશન કરનાર સફળ મહિલા, રમતવીર, વિદ્યાર્થી અને લોકલ આર્ટિસ્ટનું સન્માન પણ કરાયું હતું.

આ કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોએ રથના માધ્યમથી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીનો વિડીયો સંદેશ નિહાળ્યો હતો. ‘મેરી કહાની, મેરી જુબાની’ હેઠળ વિવિધ યોજનાના લાભાર્થીઓએ પોતાને મળેલા યોજનાકીય લાભો અંગે અનુભવો વર્ણવી સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં શાળાની બાળાઓ દ્વારા સુંદર સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત ૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવા સંકલ્પ લીધા હતા.

આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત આરોગ્ય ચેકઅપ કેમ્પનો લોકોએ લાભ લઈ ટીબી અને સિકલસેલ સહિતની વિવિધ બિમારીઓ અંગે તપાસ કરી આરોગ્યલક્ષી સારવાર તેમજ માર્ગદશન મેળવ્યું હતું. પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવતુ ધરતી કહે પુકાર કે… નાટક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયું હતું.

આ કાર્યક્રમમાં અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, સરપંચશ્રી તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!