વલસાડ જિલ્લા સંકલન -વ- ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને યોજાઈ

ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લા સંકલન -વ- ફરિયાદ સમિતિની માસિક બેઠક તા. ૧૬ ડિસેમ્બરના રોજ શનિવારે સવારે જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં મળી હતી. જેમાં કુલ ૧૪ અને પેટા પ્રશ્ન ૧૧ ની હકારાત્મક ચર્ચા થઈ હતી. જનહિતને લગતા આ પ્રશ્નોને ઉકેલવા માટે કલેકટરશ્રીએ સંબંધિત વિભાગના અધિકારીઓને માર્ગદર્શન અને સૂચન આપ્યું હતું.

​વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મનહરભાઈ પટેલે વલસાડ તાલુકાના ડુંગરી ગામમાં પોસ્ટ ઓફિસના મકાન બાંધકામ માટે વર્ષ ૧૯૮૩માં જમીન ફાળવવામાં આવેલી અને કંપાઉન્ડ વોલ બનાવવામાં આવી છે પરંતુ આજદિન સુધી પોસ્ટ ઓફિસના મકાનનું બાંધકામ ન થતા લોકોને સુવિધા મળતી નથી એવી રજૂઆત કરી હતી જે સંદર્ભે વલસાડ પોસ્ટ ઓફિસરના સિનિયર સુપ્રિન્ટેન્ડેન્ટે જણાવ્યું કે, હાલમાં ડુંગરી પ્લોટમાં પોસ્ટ ઓફિસનું બાંધકામ આર્થિક રીતે બોજારૂપ હોવાથી થઈ શકે તેમ નથી તેમજ પ્લોટ સુધી પહોંચવાનો રસ્તો પણ ઘણો સાંકડો છે.

ઉમરગામના ધારાસભ્યશ્રી રમણલાલ પાટકરે દરિયામાં જાફરીબાદી માછીમારો દક્ષિણ ગુજરાતની હદમાં આવતા હોવાથી સ્થાનિક માછીમારોની રોજી પર અસર થતી હોવાનું જણાવ્યું હતું, જે સંદર્ભે વલસાડ જિલ્લા મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકે પ્રત્યુતરમાં જણાવ્યું કે, માછીમારોએ મત્સ્યોદ્યોગ મંત્રીશ્રીને ગાંધીનગર ખાતે રૂબરૂ રજૂઆત કરતા જાફરાબાદ મત્સ્યોદ્યોગ મંડળના આગેવાનો સાથે ચર્ચા કરી આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે.
કપરાડાના ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરીનો પ્રશ્ન હતો કે, કપરાડા તાલુકાના ઓઝર ગામમાં આકૃતિ અને ક્ષેત્રફળમાં મોટા ભાગના સર્વેમાં ભૂલ હોવાથી રિસર્વેની જરૂરીયાત છે, જે અંગે જિલ્લા જમીન દફતર નિરિક્ષકે જણાવ્યું કે, ઓઝર ગામનું કલસ્ટર બનાવી માપણી કામગીરી ચાલુ કરી છે. ૧૦ દિવસમાં કામગીરી પૂર્ણ કરાશે. આ પ્રશ્ન મામલે જિલ્લા કલેકટરશ્રીએ જિલ્લાના અન્ય જે પણ ગામોમાં સર્વેમાં ભૂલ થઈ હોવા અંગે જે પણ રજૂઆતો આવે તેનો ગંભીરતાથી નિકાલ કરવા સૂચન કર્યુ હતું.
​ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલે બામટી ગામના કલ્ચર કોમ્યુનિટી હોલના બાંધકામ અંગે પૂછતા પ્રાયોજના વહીવટદારે જણાવ્યું કે, આ મામલે ઈજારદારને નોટિસ આપી કામ પૂર્ણ કરવા તાકીદ કરી છે. ધરમપુર તાલુકામાં મનરેગા યોજના હેઠળ સામૂહિક કૂવા માટે લાભાર્થીઓ પાસે રૂ. ૫ હજારનો લોક ફાળો લેવામાં આવ્યો હતો પરંતુ હજુ સુધી કોઈ કામગીરી થઈ નથી, જે અંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકે જણાવ્યું કે, હાઈડ્રોલોજી ટેસ્ટ ૨૦૨૦માં થયો હતો તે મુજબ હાલમાં કુવા બનાવી શકાય કે કેમ તે અંગે વડી કચેરી સાથે પરામર્શ કરી આગળની કાર્યવાહી કરાશે. ડીજીવીસીએલ ધરમપુર પેટા વિભાગીય કચેરીમાંથી પેટા વિભાગીય કચેરી સુથારપાડા તેમજ પેટા વિભાગીય કચેરી કપરાડામાંથી અનુક્રમે ૧૭ તથા ૬ ગામો મળી કુલ ૨૩ ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે દુરના વિસ્તારમાં આવેલા હોય પેટા વિભાગીય કચેરીમાં સમાવવાથી લોકોમાં ખૂબ અસંતોષ હોવાની ફરિયાદ કરી હતી જે અંગે ધરમપુર વીજ કંપનીના કાર્યપાલક ઈજનેરે જણાવ્યું કે, આ રજૂઆતને ધ્યાને લઈ કુલ ૧૧ ગામના ૧૩૧૩ ગ્રાહકોને ફરી ધરમપુર-૧ પેટા વિભાગીય કચેરીમાં સમાવિષ્ટ કરવામાં આવશે.
​વલસાડના ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલે ૧૫માં નાણા પંચમાં ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા પંચાયતોના મકાન પર સોલાર રૂફટોપ સિસ્ટમ ઈન્સ્ટોલ કરવાની કામગીરી અરૂણ સોલારને સોંપવામાં આવી છે પણ તે કામગીરી નથી કરી રહ્યા હોવાની જિલ્લા પંચાયતના સભ્યો અને સરપંચોની ફરિયાદ છે, જેથી જેમ પોર્ટલ પર અન્ય કોઈ કંપની હોય તો તેને કામગીરી સોંપી ઝડપથી કામગીરી પૂર્ણ કરવા જણાવ્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મનહરભાઈએ પણ આ મામલે અરૂણ સોલારને નોટિસ ફટકારવા જણાવ્યું હતું. જે સંદર્ભે નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું કે, અરૂણ સોલાર દ્વારા વલસાડ તાલુકામાં ૨૦ કામ પૂર્ણ કરાયા છે જ્યારે ૨૧ કામ પ્રગતિમાં છે. વલસાડ તાલુકાના લીલાપોર કોસ્ટલ હાઈવે સર્કલ પાસે એક્ષપ્રેસ અને ગુર્જર એસટી બસને સ્ટોપેજ આપવા કરેલી રજૂઆતનો હકારાત્મક નિકાલ લવાયો હોવાનું એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતું. મગોદ ડુંગરી ફોરેસ્ટ વિભાગની જમીન આસપાસના સાત ગામની પાણી પુરવઠા યોજના માટે ફાળવણી કરવાના ધારાસભ્યશ્રીના પ્રશ્નમાં નાયબ વન સંરક્ષકે જણાવ્યું કે, આ જમીન શરતોને આધીન પાણી પુરવઠા વિભાગને ફાળવવા માટે હુકમ કરી દેવાયો છે. વલસાડની અતુલ કંપનીમાં રેલવે ટ્રાન્સપોર્ટેશન માધ્યમથી આવતો કોલસો કન્ટેનરમાંથી ખાલી કરતી વેળા આજુ બાજુના ગામોના રોડ પર કોલસાની રજકણો ઉડતા રાહદારીઓ અને સ્થાનિક રહીશોના આરોગ્યને નુકસાન થઈ રહ્યું હોવાનો પ્રશ્ન ધારાસભ્ય ભરતભાઈ ઉઠાવતા વાપી જીપીસીબીના પ્રાદેશિક અધિકારીએ કહ્યું કે, આ મામલે સ્થળ તપાસ કરી નોટિસ આપવામાં આવી છે. આ સિવાય હાલમાં વલસાડ ધરમપુર રોડ પર બ્રિજની કામગીરીના કારણે કલાકો સુધી ટ્રાફિક જામ થતુ હોવાથી આ સમસ્યા હલ કરવા માટે ધારાસભ્યશ્રીએ રજૂઆત કરી હતી.
ભાગ-૨ માં નિવૃત થયેલા તથા અવસાન પામેલા કર્મચારીઓના પેન્‍શન કેસો, આગામી ૨૪ માસમાં નિવૃત થનાર કર્મચારીઓના પેન્‍શન કેસો, ખાતાકીય તપાસના કેસો, માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ હેઠળ આવતી અરજીઓના નિકાલ બાબતેના પ્રશ્નોનો નિયત સમય મર્યાદામાં સત્વરે ઉકેલ આવે તે માટે કલેકટરે તાકીદ કરી હતી.
​આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાની, જિલ્લા પોલીસ વડા ડો.કરણરાજ વાઘેલા, પ્રાયોજના વહીવટદાર અતિરાગ ચપલોત, નિવાસ અધિક કલેકટર અનસૂયા ઝા તેમજ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!