ગુજરાત એલર્ટ । વલસાડ
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચાડવા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશભરમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના શેરીમાળ ગામમાં આવી પહોંચતા ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલના અધ્યક્ષસ્થાને લાભાર્થીઓને સહાય અને કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.
ધરમપુર તાલુકાના શેરીમાળ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્યશ્રીએ ગ્રામજનોને યોજનાકીય માહિતીની જાણકારી રાખવા, યોજનાનો લાભ લેવા તેમજ વંચિત લાભાર્થીઓને જાગૃત કરવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. લાભાર્થીઓએ “મેરી કહાની, મેરી જુબાની” થીમ અન્વયે પ્રધાનમંત્રી આવાસ યોજના, આયુષ્યમાન કાર્ડ યોજના અને પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના પોતાને મળેલા લાભોની ગાથા વર્ણવી હતી.
ગ્રામજનોએ રથના માધ્યમથી વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્મ નિહાળી હતી. શાળાના વિદ્યાર્થીઓએ ધરતી કહે પુકાર કે… નુક્કડ નાટક રજૂ કરી પ્રાકૃતિક ખેતીનું મહત્વ ખેડૂતોને સમજાવ્યું હતું. ગ્રામજનોએ વિકસિત ભારતના નિર્માણ માટે પોતાની સહયોગીતા આપવાના શપથ લીધા હતા. ઉપસ્થિત મહેમાનોએ આરોગ્ય અને આંગણવાડી દ્વારા ઉભા કરાયેલા કેમ્પની મુલાકાત લીધી હતી તથા ધારાસભ્યશ્રીએ આરોગ્ય કેમ્પમાં ટીબી, સિકલસેલ, બી.પી. અને ડાયાબિટીસની તપાસ અંગે ગામના મહત્તમ લોકો લાભાન્વિત થાય તે સુનિશ્ચિત કર્યુ હતું. આ કેમ્પનો કુલ ૨૧૮ લોકોએ લાભ લીધો હતો. ગામનું નામ રોશન કરનાર ખેલાડી, કલાકાર, વિદ્યાર્થી અને મહિલા સહિત કુલ ૬ લોકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને ઠેર ઠેર વ્યાપક જનપ્રતિસાદ મળી રહ્યો છે.
કાર્યક્રમમાં ધરમપુર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ અપેક્ષા પટેલ, વલસાડ જિલ્લા કિસાન મોર્ચાના પ્રમુખ ગણેશ બિરારી, ધરમપુર તાલુકા સેવા સહકારી મંડળીના પ્રમુખ ગમન રાઉત, ગામના વહીવટદાર જયેશ ચૌધરી, સિદુમ્બર પીએચસીના મેડિકલ ઓફિસર ડો. રોનક રાઠોડ અને લોક વિસ્તારક અજય તડવી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો, સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.