ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લાના વાપી તાલુકાના છીરી ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા ગ્રામજનોએ ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું. જેમાં ૪૯૧ લોકોએ ભાગ લઈ વિવિધ સરકારી યોજનાઓ વિશે માહિતિ મેળવી હતી તેમજ જુદી જુદી યોજનાઓના લાભ મેળવવા માટે રજીસ્ટ્રેશન પણ કરાવ્યું હતું. કાર્યક્રમમાં વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભો અને સહાય અર્પણ કરવામાં આવી હતી.
વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતના આરોગ્ય ખાતા દ્વારા આયોજિત હેલ્થ કેમ્પમાં કુલ ૨૩૨ લોકોની તપાસ કરવામાં આવી હતી જેમાં ૧૮૨ લોકોનું ટીબી અને ૬૦ લોકોનું સિકલસેલ સ્ક્રીનિંગ કરાયું હતું. ગામનું નામ રોશન કરનાર ૬ મહિલાઓ, વિદ્યાર્થીઓ, ખેલાડીઓ અને સ્થાનિક કલાકારોનું સન્માન કરવામાં આવ્યું હતું. ૩૫ મહિલાઓએ પીએમ ઉજ્જવલ્લા યોજનામાં નોંધણી કરાવી હતી. કાર્યક્રમમાં ૭૩૨ નવા આયુષ્યમાન કાર્ડ બનાવવામાં આવ્યા હતા તેમજ ૫૬ આયુષ્યમાન કાર્ડનું સ્થળ પર વિતરણ કરવામાં આવ્યું હતું. સોઈલ હેલ્થ કાર્ડનું નિદર્શન પણ કરાયું.
ગ્રામજનોએ રથના માધ્યમથી વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્મ પણ નિહાળી હતી, સરકારની વિવિધ યોજનાના લાભથી થયેલા ફાયદા અંગે આવાસ યોજના, આઈસીડીએસની પોષણ અભિયાન યોજના, મિશન મંગલમ યોજના, પીએમ કિસાન સમ્માન નિધિ યોજના અને આયુષ્યમાન કાર્ડ યોજનાના ૧૦ લાભાર્થીઓએ ‘‘મેરી કહાની, મેરી જુબાની’’ હેઠળ સફળ વાર્તા રજૂ કરી હતી. કાર્યક્રમનાં અંતે ‘વિકસિત ભારત’ માટે પ્રતિજ્ઞા લીધી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી સરકારની જન કલ્યાણકારી યોજનાઓનો લાભ અને જાણકારી લોકોને ઘર આંગણે મળી રહે એ નિર્ધાર સાથે રાજ્યની સાથે સમગ્ર વલસાડ જિલ્લામાં કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. જેને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. શાળાના વિદ્યાર્થીઓએ ધરતી કહે પુકાર કે… નાટક રજૂ કરી પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવ્યું હતું. ખેતીમાં ડ્રોન ટેક્નોલોજી અંગે પણ ખેડૂતોને માહિતગાર કરાયા હતા.