ધરમપુરના હેમ આશ્રમ જાગીરીમાં મહિલા સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો

ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના જાગીરી ગામમાં આવેલા હેમ આશ્રમના ૧૫મા વર્ષની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. જેના ભાગરૂપે હેમ આશ્રમના પરિસરમાં મહિલા સશક્તિકરણ સેમિનાર યોજાયો હતો.
સુરતના ગાયનેકોલોજિસ્ટ ડૉ. મનીષા ઝાવર રિસોર્સ પર્સન તરીકે હાજર રહી ધરમપુર તાલુકાના વિવિધ ગામની ૪૭ વિધવાઓને આશા ન ગુમાવવા અને હકારાત્મક વલણ સાથે આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. વધુમાં તેમણે સ્ત્રીઓને લગતી બાબતો તથા તેમનું સ્વાસ્થ્ય અને સ્વચ્છતા વિશે જરૂરી વાત વિગતે કરી હતી.

હેમ આશ્રમના ટ્રસ્ટી શીતલ ગાડરે જણાવ્યું કે, હેમ આશ્રમ હંમેશા તેમની સાથે રહેશે, જરૂરી મદદ પણ કરશે. તેમને બાજરીની વસ્તુઓ, કાંઠાની ટાંકી અને વારલી પેઇન્ટિંગ શીખવીને આત્મનિર્ભર બનવામાં મદદરૂપ થશે. હેમ આશ્રમ સાથે જોડાઈ જેઓ હાલમાં વિવિધ ક્ષમતાઓ કેળવી સ્વનિર્ભર બન્યા છે એવી મહિલાઓ પૈકી જાગૃતિબેન, ઉપાસનાબેન, વંદનાબેન માચીયા, રવિનાબેન, વંદનાબેન દિવા, શીતલબેન રઘુ સાથે ટ્રેનર હેઝલબેન ગાડરે વન ટુ વન સેશન લઈ તેમને સ્વનિર્ભર બનવાની દિશામાં નક્કર કામ કરવા પ્રેરિત કર્યા હતા.

આ પ્રસંગે શુભેચ્છકો અને દાતાઓની મદદથી વિધવા મહિલાઓને કરિયાણું, ધાબળા અને સાડીનું વિતરણ કરાયું હતું. હેમ આશ્રમના સમર્થક નમ્રતાબેન ભાગવત, વિપુલભાઈ ભાગવત ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, શૈક્ષણિક અને આરોગ્ય સંબંધિત પ્રવૃત્તિઓ ઉપરાંત, વંચિત મહિલાઓના સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ આ સંસ્થાના સંચાલકો છેલ્લા ૧૫ વર્ષથી ૪૭ વિધવાઓને મદદ કરી રહ્યા છે. આ મહિલાઓને કાઉન્સેલિંગ, નાણાકીય સહાય, સરકારી યોજના સંબંધિત માહિતી, તબીબી સારવાર તથા સ્વરોજગાર પ્રદાન કરવા અને તેમને સજીવ ખેતી શીખવવામાં મદદરૂપ થઈ રહ્યા છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!