ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લામાં બાગાયત ખેતી કરતાં ખેડૂતોને પ્રોત્સાહન મળે અને આવનાર રવિ સીઝનમાં શાકભાજી પાકો તથા આંબા વાડીમાં લેવાની થતી તાંત્રિકતા મળી રહે તે માટે તા. ૦૯/૧૨/૨૦૨૩ ના રોજ વલસાડ તાલુકાના ભૂતસર ગામમાં અને ઉમરગામ તાલુકાના ઝરોલી ખાતે ખેડૂત માર્ગદર્શન શિબિરનું આયોજન વલસાડ નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજીત ૨૦૦ જેટલા ખેડૂત ભાઈ-બહેનોએ હાજર રહી માર્ગદર્શન મેળવ્યું હતું. આ બંને તાલુકાઓમાં બાગાયત અધિકારી વલસાડ તથા ઉમરગામ દ્વારા બાગાયતી યોજના વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ભૂતસર ખાતે વલસાડ જિલ્લા નાયબ બાગાયત નિયામક નિકુંજ પટેલ દ્વારા ૧૦૦ જેટલી બહેનોને મશરૂમની ખેતી તેમજ કૅનિંગ યોજના વિષે માહિતગાર કરવામાં આવી હતી. ગાંધીનગરથી બાગાયત નિયામકશ્રી દ્વારા ઓનલાઇન માધ્યમથી ખેડૂતોને બાગાયત ખેતી વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આગામી તા. ૨૨/૧૨/૨૦૨૩ ના રોજ પારડી, કપરાડા અને ધરમપુર ખાતે ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવશે જેમાં ભાગ લેવા ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો છે.