પારડીના પંચલાઈમાં જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ અને કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત કરાયુ

ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પંચલાઈ ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા પરંપરાગત રીતે ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ અને કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભો અને સહાય અર્પણ કરવામાં આવી હતી.

આ પ્રસંગે વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મનહરભાઈ પટેલે જણાવ્યું કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રા એ જન જનના કલ્યાણ માટેની છે. વર્ષ ૨૦૪૭ માં આઝાદીના ૧૦૦ વર્ષ પૂરા થશે ત્યાં સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ સાથે નીકળેલી આ યાત્રા ગામે ગામ લોકોને સરકારની યોજનાનો લાભ આપી રહી છે. વધુમાં તેમણે દરેક નાગરિકને દેશના વિકાસમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપવા આહવાન કર્યુ હતું. કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લોકો માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ત્યારે આ યોજના અને કાર્યક્રમનો ગ્રામજનો લાભ લે અને અન્ય લોકોને પણ લાભાન્વિત કરે એ મહત્વનું છે.

આ પ્રસંગે જિલ્લા પંચાયત સભ્ય શૈલેષભાઈ પટેલ અને મુકેશભાઈ પટેલ તેમજ પારડી તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાકેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં આયુષ્યમાન ભારત યોજનાના ૧૧૮, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના ૬૩૨, પ્રધાનમંત્રી આવાસ યોજનાના ૬૧, ઉજવલા યોજનાના ૬, પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના ૩૫, પીએમ પોષણ અભિયાનના ૧૪૪, હર ઘર જલ-જલ જીવન મિશનના ૩૭ અને નેનો ફર્ટિલાઈઝર યોજનાના ૫ લાભાર્થીઓને સહાય તેમજ કિટ મહાનુભાવાનો હસ્તે વિતરણ કરવામાં આવી હતી. મેરી કહાની મેરી ઝુબાની અંતર્ગત લાભાર્થીઓએ તેમના પ્રતિભાવો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં આરોગ્ય, ખેતીવાડી, આઇસીડીએસ સહિતના વિભાગના સ્ટોલની પ્રદર્શની દ્વારા વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી સરકારની જન કલ્યાણકારી યોજનાઓનો લાભ અને જાણકારી લોકોને ઘર આંગણે મળી રહે એ નિર્ધાર સાથે ‌રાજ્યની સાથે સમગ્ર વલસાડ જિલ્લામાં કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. જેને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!