વલસાડના ફણસવાડામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉષ્માભેર સ્વાગત, વડાપ્રધાનશ્રીનો સંવાદ ગ્રામજનોએ સાંભળ્યો

ગુજરાત એલર્ટ । વલસાડ
કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેક જનહિતકારી યોજનાઓની માહિતી અને લાભો દરેક લોકો સુધી પહોંચાડતી વિકસિત ભારત સંકલ્પ યાત્રા વલસાડ તાલુકાના ફણસવાડા ગામ ખાતે આવી પહોંચી હતી. લાભાર્થીઓ માટે સરકારની મહત્વપૂર્ણ ગણાતી ૧૭ યોજનાઓ પૈકી આરોગ્યલક્ષી યોજનાઓ, આધાર કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, ઉજ્જવલા યોજના, વીજ યોજના, પી.એમ.સ્વ નિધિ યોજના સહિતના ૧૦ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. લાભાર્થીઓએ મોટી સંખ્યામાં હાજર રહી ઘર આંગણે સરકારી યોજનાના લાભો મેળવ્યા હતા.

‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અંતર્ગત ફણસવાડા ગામે યોજાયેલા કાર્યક્રમમાં વલસાડ તાલુકા પંચાયતના પ્રમુખ મીનાબેન ઠાકોરે લાભાર્થીઓને વિવિધ યોજનાઓના લાભ આપી લાભાન્વિત કર્યા હતા. આ પ્રસંગે વલસાડ પ્રાંત અધિકારી આસ્થા સોલંકી, તાલુકા વિકાસ અધિકારી મહેન્દ્ર ચૌધરી, જિલ્લા ખેતીવાડી અધિકારી એ.કે.ગરાસિયા, મેડિકલ ઓફિસર ડો. કામીની પટેલ સહિત ગ્રામજનો અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિતિ સૌએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો લાઈવ પ્રસારણ કાર્યક્રમ તેમજ લાભાર્થીઓ સાથે સંવાદ કાર્યક્રમ પણ નિહાળ્યો હતો. વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવા અંગે ગ્રામજનોએ સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.

વિવિધ યોજનાઓના સાત લાભાર્થીઓએ મેરી કહાની, મેરી જુબાની હેઠળ સરકારની યોજનાના લાભ બાદ જીવન ધોરણમાં આવેલા સુખદ પરિવર્તન અંગે લોકો સમક્ષ પોતાના અનુભવ જણાવતી સાફલ્ય ગાથા રજૂ કરી હતી. આરોગ્ય ખાતા દ્વારા આયોજિત હેલ્થ કેમ્પમાં ૧૧૦ લોકોએ આરોગ્યલક્ષી તપાસ કરાવી હતી.

જેમાં ટીબીની ૭૨ લોકોએ તપાસ કરાવી હતી. ઉજવલા યોજના હેઠળ ૨૦ લાભાર્થીઓનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. ગામનું નામ રોશન કરનાર મહિલાઓ, વિદ્યાર્થીઓ, ખેલાડીઓ અને કલાકાર મળી કુલ ૯ લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રંસગે નવા ૩૫ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડનો લાભ મળ્યો હતો. શાળાના વિદ્યાર્થીઓએ ધરતી કહે પુકાર કે… નાટક રજૂ કરી પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવ્યું હતું. ખેતીમાં ડ્રોન ટેક્નોલોજી અંગે પણ ખેડૂતોને માહિતગાર કરાયા હતા.

Share this post

error: Gujarat Alert Content is protected !!