ગુજરાત એલર્ટ l આહવા
આહવા ખાતે ડાંગ જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને ‘ગુજરાતનો ગરબો’ કાર્યક્રમ યોજાયો.
રાજ્યના રમત- ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓનો વિભાગ અને ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આહવા ખાતે પોલીસ હેડ ક્વાટર ખાતે ડાંગ જિલ્લા વિકાસ અધિકારી આર.એમ.ડામોરના અધ્યક્ષ સ્થાને ‘ગુજરાતનો ગરબો’ કાર્યક્રમ યોજાયો હતો.
વિદેશના બેત્સવાના ખાતેથી યુનેસ્કો દ્વારા ગુજરાતના ગરબાને “અમૂર્ત સાંસ્કૃતિક વારસા” તરીકે માન્યતા આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જેને સૌ ઉપસ્થિત યુવાઓ અને મહાનુભાવો દ્વારા આવકારી ગૌરવ અનુભવ્યુ હતુ.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી આર.એમ.ડામોરે જણાવ્યું હતું કે, ગરબા ગુજરાતની ગરવી સંસ્કૃતિનો ઇતિહાસ ગુજરાતના ગરબામાં ધરબાયેલો છે. ગુજરાતના પ્રજાજીવનને ધબકતું રાખવામાં ગરબાની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. ગરબો એટલે શક્તિની ભક્તિ, સ્નેહ અને પારસ્પરિક સહકારનું પ્રતિબિંબ કહી શકાય. આદિ-અનાદી કાળથી ગરબો ચાલ્યો આવ્યો છે. દેશ અને દુનિયામાં ગરબો હવે ગ્લોબલ બની ચૂક્યો છે. વિદેશમાં રહેતા લોકો પણ ગરબાને ભૂલી શકતા નથી અને ગરબાનું ઘેલું સૈને લાગ્યું છે. ત્યારે ગુજરાતની આગવી ઓળખ સમા ગરબાને આજે યુનેસ્કો દ્વારા અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે માન્યતા આપી છે જેના આપણે સૌ સાક્ષી બન્યા છે અને આપણા માટે આ ગૌરવપૂર્ણ ક્ષણ બની રહી છે.
નવી પેઢી ગરબાનું સાંસ્કૃતિક, સામાજિક અને વૈજ્ઞાનિક મહત્વ સમજે, ગુજરાતની આપણી આ અમૂર્ત સાંસ્કૃતિક ધરોહરનું જતન અને સંવર્ધન થાય, તેવા શુભ આશયથી ગુજરાતના ગરબાની ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એકલવ્ય ગલર્સ લીટરસી સ્કુલ, સાપુતારા તેમજ લિંગા માધ્યમિક શાળાના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ દ્વારા આદિવાસી નૃત્ય પ્રસ્તુત કરાયું હતું.
ઉલ્લેખનીય છે કે, યુનેસ્કો (UNESCO) ની માનવતાની પ્રતિનિધિ યાદીમાં અમૂર્તની સુરક્ષા માટેની આંતર સરકારી સમિતિના ૧૮માં સત્રમાં ગુજરાતના ગરબાને ભારતમાંથી ‘અમૃત સાંસ્કૃતિક વારસો’ (ICH) તરીકે અંકિત થઇ છે. જે આ યાદીમાં સામેલ થનાર ભારતનું ૧૫મું (ICH) બન્યું છે.
આ પ્રસંગે ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયા, અધિક નિવાસી કલેક્ટર એસ.જી તબીયાર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એમ.કે.ખાંટ, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલ, આદિજાતી વિકાસ અધિકારી આર.કે.કનુજા, પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી નરેન્દ્રભાઇ ઠાકરે, જિલ્લા પ્રાંત યુવા વિકાસ અધિકારી વિરલ ચૌધરી સહિત અન્ય અધિકારીઓ કર્મચારીઓ સહિત બહોળી સંખ્યામાં નાગરિકો, વિવિધ શાળાના શિક્ષકો-વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.