ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લામાં શ્રી જલારામ મનોવિકાસ કેન્દ્ર છેલ્લા ૧૨ વર્ષથી માનસિક તથા શારીરિક દિવ્યાંગતા ધરાવતા બાળકો તથા વ્યક્તિઓ સાથે કાર્ય કરે છે. સમગ્ર વિશ્વમાં તા. ૩જી ડિસેમ્બર વિશ્વ દિવ્યાંગ દિન તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે વલસાડના શ્રી જલારામ મનોવિકાસ કેન્દ્રમાં પણ આ દિવસની ઉજવણી બે દિવસ સુધી ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી.
પ્રથમ દિવસે તા. ૪ થી ડિસેમ્બરે, બાળકોને વિવિધ ક્રિયાત્મક રમતો રમાડવામાં આવી હતી, જેમાં પોતાના બુટ શોધીને પહેરવા, શર્ટના બટન બંધ કરવા, માટીમાંથી મણકા શોધવા, ભેળ બનાવવી જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. બીજા દિવસે, તા. ૫મી ડિસેમ્બરે, શાળાના પરિસરમાં બે રાઇડ્સ, જમ્પિંગ અને ટ્રેન મંગાવવામાં આવી હતી. તમામ બાળકોએ બંને રાઇડ્સમાં ખુબ જ મજા કરી હતી. દિવ્યાંગ હોવાથી વાલીઓ આ બાળકોને કોઈ મેળામાં લઈ જવા તથા રાઇડ્સમાં બેસાડવા માટે સંકોચ અને ડરનો અનુભવ કરતા હોય છે.
પરંતુ જયારે આ વ્યવસ્થા શાળા દ્વારા કરવામાં આવી ત્યારે બાળકોએ શિક્ષકો તથા વાલીઓની મદદ દ્વારા રાઇડ્સની મજા માણી હતી. ભોજન અને રાઇડ્સની તમામ વ્યવસ્થા ડૉ.ચેતનબેન દાવડા તરફથી કરવામાં આવી હતી. શાળાના આચાર્યા આશાબેન સોલંકી તથા સમગ્ર સ્ટાફગણે તમામ વ્યવસ્થા કરવામાં ભારે જહેમત ઉઠાવી હતી.