વલસાડના સેગવા ગામમાં વિકસિત ભારત સંકલ્ય યાત્રાનું વાજતે ગાજતે સ્વાગત કરાયું, લાભાર્થીઓને સહાય વિતરણ કરાઈ

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ તાલુકાના સેગવા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા શાળાની વિદ્યાર્થિનીઓ અને ગ્રામજનો દ્વારા વાજતે ગાજતે સ્વાગત કરાયું હતું. ધરમપુર વિધાનસભા બેઠકના ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ગામની પ્રાથમિક શાળામાં ગ્રામજનોને સહાય કીટ વિતરણ, લાભાર્થીઓની સાફલ્ય ગાથા અને લોક નૃત્ય સાથે રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલે જણાવ્યું કે, સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે કે, જે ગામમાં ૫ હજારથી વધુ વસ્તી હોઈ ત્યાં આખો દિવસ વિકસિત ભારત સંકલ્પ યાત્રા રહેશે અને લોકોને સરકારની વિવિધ યોજનાની માહિતી અને નોંધણીની સાથે યોજનાના લાભો આપવામાં આવી રહ્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણો દેશ દુનિયામાં નવી ઉંચાઈ સર કરી રહ્યો છે.

પહેલાના સમયમાં લોકોએ સરકારની યોજનાનો લાભ લેવા માટે કચેરીમાં ધક્કા ખાવા પડતા હતા પરંતુ હવે સરકાર તમારા આંગણે આવી વિવિધ કલ્યાકારી યોજનાના લાભો આપી રહી છે. છેવાડાના લોકો સુધી યોજનાના લાભ પહોંચે તે માટે પ્રધાનમંત્રીશ્રી દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરૂ કરાવી છે જેના દ્વારા ખેડૂતો, મહિલાઓ અને યુવાઓને વિવિધ યોજનાના લાભ મળી રહ્યા છે. હવે ગામમાં પાકા રસ્તા, પાકા આવાસ, નલ સે જળ દ્વારા ઘર આંગણે પીવાનું પાણી મળી રહ્યું છે. ગામડાની સ્કૂલો હવે ખાનગી શાળાને ટક્કર મારે તેવી બની રહી છે. લોકો આર્થિક રીતે પગભર બને તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેક હિતકારી પગલાં લેવામાં આવ્યા છે.

કાર્યક્રમમાં વલસાડ તાલુકા પંચાયતના પ્રમુખ મીનાબેન ઠાકોર, સેગવા ગામના સરપંચ મિતેશભાઈ ઠાકોર, ઉપસરપંચ વિનયભાઈ, કોચવાડા ગામના સરપંચ અવિનાશ તલાવીયા, ગાંધીનગર એનએચએમના રીઝનલ પ્રોજેક્ટ કો. નોડલ ઓફિસર યજવેન્દ્રસિંહ, આઈસીડીએસના સીડીપીઓ સોનલબેન, સેગવા પીએચસીના ડો. કામીનીબેન પટેલ અને શિક્ષણવિદ ગણપતભાઈ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીશ્રીનો રેકોર્ડ સંદેશ અને સરકાર દ્વારા પ્રજાની સુખાકારી માટે થયેલા વિકાસ કાર્યોની ઝાંખી દર્શાવતો વીડિયો રથ દ્વારા સૌ એ નિહાળ્યો હતો. સરકારની વિવિધ કલ્યાણકારી મહત્વની ૧૭ યોજનાઓને આવરી લેતા સ્ટોલ દ્વારા ગ્રામજનોને યોજનાની માહિતી, ઉજવલા યોજના, કેસીસી યોજનાના લાભ માટે નવા નામાંકન અને યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો. આરોગ્ય શાખા દ્વારા આયોજિત હેલ્થ કેમ્પમાં ટીબી, સિકલસેલ અને એનિમિયાની તપાસ કરવામાં આવી હતી. નવા લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

સેગવા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિનીઓએ પ્રાર્થના ગીત, સ્વાગત ગીત અને લોક નૃત્ય રજૂ કર્યુ હતું. વિવિધ યોજનાના લાભાર્થીઓને પૂર્ણા કીટ, ઉજવલા ગેસ કીટ, આવાસ યોજના હેઠળ ઘરની ચાવી, પોષણ કીટ અને તંદુરસ્ત બાળકની કીટ આપવામાં આવી હતી.

મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ ભારત દેશને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. ગ્રામજનોને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવતી ધરતી કરે પુકાર… નાટ્ય કૃતિ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા અર્ચના ટંડેલ, ભાવિકા ઠાકોર અને અસ્મિતા ચાંપાનેરીએ કર્યુ હતું.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!