ગુજરાત એલર્ટ l આહવા
N.C.ERT નવી દિલ્હીના NPEP વિભાગ તથા ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ-ગાંધીનગર પ્રેરીત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વઘઈ દ્વારા તા.૦૪/૧૨/૨૦૨૩ ના રોજ જિલ્લા કક્ષાનો રોલ પ્લે અને ફોક ડાન્સ સ્પર્ધા યોજવામા આવી હતી.
આ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે ડો.બી.એમ રાઉત, આચાર્ય જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા કાર્યક્રમના પ્રસંગોચિત માર્ગદર્શન આપી, સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષકોને પ્રેરણા અને પ્રોત્સાહન પુરુ પાડ્યુ હતુ. કાર્યક્રમના આયોજક આર.જી.ચૌધરીએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. વઘઇ ખાતે યોજાયેલ સ્પર્ધામા નિર્ણાયક તરીકે લેક્ચરર યોગશભાઇ ચૌધરી તેમજ બી.જે.ગાવિતે પોતાની ફરજ બજાવી હતી.
વઘઇ ખાતે યોજાયેલ રોલ પ્લે સ્પર્ધાના વિષયો તરીકે ૧. તંદુરસ્ત વિકાસ, ૨. પોષક આહાર અને સુખાકારી, ૩. વ્યક્તિગત સલામતી શારીરિક, માનસિક,ભાવનાત્મક તથા જાતીય, ૪. મીડીયા લીટરેસી, ગેજેટ અને ઈન્ટરનેટના સુરક્ષિત ઉપયોગ, ૫. નશીલા દ્રવ્યોનો દુરુપયોગ, કારણ અને નિવારણ, તેમજ ફોક ડાન્સ સ્પર્ધાના વિષયો તરીકે ૧. કુમાર અને કન્યા માટે સમાન તકો, ૨. બાળકના વિકાસમાં સંયુકત કુટુંબની ભૂમિકા, ૩. પર્યાવરણ સંરક્ષણ, ૪. નશીલા દ્રવ્યો, ૫. તરુણાવસ્થા દરમિયાન તંદુરસ્ત સંબંધો જેવાં વિષયો પર જિલ્લાની ૦૩ જેટલી કે.જી.બી.વી, શાળાના વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો.
રોલ પ્લે સ્પર્ધામાં પ્રથમ ક્રમે કે.જી.બી.વી વધઈ, બીજા ક્રમે કે.જી.બી.વી.ટીમ્બરથવા અને ત્રીજા ક્રમે કે.જી.બી.વી.આહવા વિજેતા બની હતી. જ્યારે ફોક ડાન્સ સ્પર્ધામા પ્રથમ ક્રમે કે.જી.બી.વી. ટીમ્બરથવા, બીજા ક્રમે કે.જી.બી.વી. વઘઈ અને ત્રીજા ક્રમે કે.જી.બી.વી. આહવાની ટીમ વિજેતા બની હતી. વિજેતા બનેલ ટીમો આગામી દિવસોમા તા. ૧૪/ ૧૨/૨૦૨૩ ના રોજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરત ખાતે સ્પર્ધામા ભાગ લેશે.