ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ ખેરગામ રોડનું નવીનકરણનું બંધ થયેલું કામ શરૂ કરાવવા સરપંચોએ અનોખું આંદોલન કરવાની ચેતવણી આપી છે. ફોરેસ્ટ ક્લિયરન્સને અભાવે છ મહિનાથી રસ્તાનું કામ બંધ હોય એક અઠવાડિયામાં રસ્તાનું કામ શરૂ ન કરાય તો 28 ગામનાં સરપંચોએ માર્ગ અને મકાન વિભાગે બનાવેલા રસ્તાઓ ખોદી રસ્તાની વચ્ચે વૃક્ષોનું રોપવાની ચેતવણી આપી છે.
આજરોજ વલસાડ તાલુકાના સેગવા ગામના સામાજિક આગેવાન બાબુભાઈ માહયાવંશીની આગેવાની હેઠળ વલસાડ અને ખેરગામ વિસ્તારના 28 ગામનાં સરપંચોની સહી સાથે વલસાડ જિલ્લા કલેકટરને અલ્ટીમેટમ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જે મુજબ વલસાડ ખેરગામ સ્ટેટ હાઇવે રોડ વલસાડ, ખેરગામ અને વાંસદા તાલુકાના 100 થી વધુ ગામડાઓને જોડતો મુખ્ય માર્ગ છે. લગભગ દોઢથી બે લાખની વધુની વસ્તીને રોજિંદી અવર-જવર માટે આ માર્ગ અસર કરે છે.
આ માર્ગ બનાવવાં રાજ્ય સરકારે લગભગ રૂ. 19.20 કરોડની ગ્રાન્ટ ફાળવી હતી. એજન્સીને રોડ બનાવવાનું કામ સોંપતા કામ પણ શરૂ કરાયું હતું. પરંતુ વન વિભાગે ફોરેસ્ટ કલિયરન્સનું બહાનું આગળ ધરી અધૂરું કામ અટકાવી દીધું હતું. તેને લીધે આ રોડ પર આવતા માર્ગ અને મકાન વિભાગે નવીનીકરણ માટે તોડી નાખેલાં નાના પુલોના કામ પણ અટકી જતા ગત ચોમાસા પહેલાં સંપૂર્ણ રસ્તો બંધ થઈ જાય તેવી સ્થિતિ ઉદભવતા 35 થી વધુ ગામના સરપંચોએ આંદોલન કર્યું હતું. જે રજૂઆતોને ધ્યાને લઈ નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા અંગત રસ લેતાં સરકારે કામ શરૂ કરાવડાવતા ચોમાસા પહેલા માંડ નાના પુલો બની જતાં જેમ તેમ રસ્તો વાહનવ્યવહાર માટે ચાલુ થઈ શક્યો હતો.
ગત મે માસમાં માર્ગ અને મકાન વિભાગના તે સમયનાં કાર્યપાલક ઇજનેર એન.એન. પટેલ દ્વારા વલસાડ ખેરગામ તાલુકાના સરપંચોને આ રોડ પર નડતરરૂપ વૃક્ષો દૂર કરી દિવાળી પહેલા રસ્તો નવો બની જશે એવી ખાતરી અપાઈ હતી. અડધું વર્ષ વીતી ગયા છતાં માર્ગ અને મકાન વિભાગ અને વન વિભાગ વચ્ચે સંકલનના અભાવે હજુ પણ ફોરેસ્ટ ક્લિયરન્સ મળ્યું નથી. બંને સરકારી વિભાગો વચ્ચે તાલમેલના અભાવે લાખો લોકો વિના વાંકે દુઃખી થઈ રહ્યા હોય અઠવાડીયામાં કામ શરૂ ન થાય તો સરપંચોએ માર્ગ અને મકાન વિભાગે બનાવેલા રસ્તાઓ ખોદી રસ્તાની વચ્ચે વૃક્ષો રોપવાની ચેતવણી આપી છે.
માર્ગ અને મકાન વિભાગની અણઆવડતને કારણે લાખો લોકો હેરાન થઈ રહ્યા છેઃ ગુંદલાવ સરપંચ નીતિન પટેલ
વલસાડ તાલુકાનાં ગુંદલાવ ગામના સરપંચ નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે વલસાડ ખેરગામ રોડમાં વલસાડથી ગુંદલાવ જીઆઇડીસી સુધી 3-4 કિલોમીટરના માર્ગ પર મહદઅંશે વૃક્ષો નડતરરૂપ નથી. રસ્તાની મધ્યમાં કામ કરવાનું છે. છતાં 3 થી 4 કિલોમીટરના માર્ગ પર પાકા ડિવાઈડર બનાવવાનું કામ કેમ કરાતું નથી? કેટલાંક નાનાં પુલો પહોળાં કરવાની કામગીરી પણ બાકી છે છતાં તે શરૂ કરાતી નથી. માર્ગ અને મકાન વિભાગની અણઆવડતને કારણે લાખો લોકો હેરાન થઈ રહ્યા હોય અમારે ફરી આંદોલનનો રસ્તો અપનાવવો પડી રહ્યો છે.
અમને પણ વૃક્ષો ઉપર અપાર પ્રેમ છે. એટલા માટે જ અમે રસ્તાઓ ખોદી તેની વચ્ચે વૃક્ષો રોપીશું: ખજુરડી ગામના સરપંચ સ્નેહલભાઈ પટેલ
વલસાડ તાલુકાના ખજુરડી ગામના સરપંચ સ્નેહલભાઈ પટેલે જણાવ્યું હતું કે લોકોને દુઃખી કરવા માટે વનવિભાગે વૃક્ષપ્રેમ બતાવી વૃક્ષો દૂર કરવા માટે વર્ષ પસાર કરી નાખ્યું છે. તો વન વિભાગને જ વૃક્ષો ઉપર પ્રેમ છે એવું નથી, અમને પણ વૃક્ષો ઉપર અપાર પ્રેમ છે. એટલા માટે જ અમે રસ્તાઓ ખોદી તેની વચ્ચે વૃક્ષો રોપવાનું નક્કી કર્યું છે. એક અઠવાડિયામાં આ રસ્તાનું નવીનીકરણનું કામ શરૂ ન થાય તો વલસાડ માર્ગ અને મકાન વિભાગની વડી કચેરીએ, વલસાડ સામાજીક વનીકરણ વિભાગની વડી કચેરીએ પૂજા કરી વૃક્ષો રોપીશું. જે બાદ વલસાડ માર્ગ મકાન વિભાગે બનાવેલાં અન્ય રસ્તા ખોદી રસ્તા વચ્ચે વૃક્ષો રોપવાની અમને ફરજ પડશે. અને તેને લીધે જે કોઈપણ અવ્યવસ્થાની પરિસ્થિતિનું નિર્માણ થશે તેની સંપૂર્ણ જવાબદારી સામાજિક વનીકરણ વિભાગ અને માર્ગ અને મકાન વિભાગની રહેશે.