ગુજરાત એલર્ટ l આહવા
ડાંગ જેવા દુર્ગમ વિસ્તારમાં ગ્રામીણ પ્રજાજનોમાં પ્રવર્તતિ ‘ડાકણ પ્રથા’ જેવી કુપ્રથા સામે, બ્યુગલ ફૂંકતા ડાંગ પોલીસે ક્રૂર અંધશ્રદ્ધાને કારણે પ્રતાડિત કરાતી મહિલાઓને મુક્ત કરવા સાથે, પ્રજાજનોને જાગૃત કરવા માટે ‘પ્રોજેકટ દેવી’ અમલમાં મુક્યો છે.
જિલ્લા પોલીસ અધિક્ષક યશપાલ જગાણિયાના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક સુનિલ પાટિલ અને તેમની ટિમ, તથા પોલીસની ‘સી ટિમ’ એ વિશેષ વ્યૂહરચના સાથે ડાંગમાંથી ‘ડાકણ પ્રથા’ ને દેશવટો આપવાની કમર કસી છે.
ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લામાં ગત દિવસો દરમિયાન ડાંગ પોલીસે ‘ડાકણ પ્રથા’ ને નામે પ્રતાડિત કરાતી ૬૫ થી ૭૦ જેટલી બુઝુર્ગ મહિલાઓને આ કુપ્રથામાંથી મુક્ત કરાવી, તેમના ઘર પરિવાર અને સમાજમાં તેમનું પુનઃસ્થાપન કરાવ્યું હતું. આ મહિલાઓની ડાંગ પોલીસની ‘સી ટિમ’ દ્વારા નિયમિતપણે મુલાકાત લઈ, તેમના ખબરઅંતર પૂછવા સાથે, ગ્રામજનોને પણ સતત જાગૃત કરવામાં આવી રહ્યા છે.
કુપ્રથામાંથી મુક્ત થયેલી ડાંગની આ મહિલાઓ, આંખમાં અશ્રુ સાથે, તેમને નવજીવન અપાવી સ્વમાનભેર જીવવાનો અવસર પ્રદાન કરનાર, ડાંગ પોલીસનો આભાર વ્યક્ત કરી રહી છે.