ગુજરાત એલર્ટ । વલસાડ
આજરોજ વલસાડ જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે દ્વારા બેંક ઓફ બરોડાની સ્ટેશન રોડ શાખાનું નવા પરિસરમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સ્ટેશન રોડ શાખા હવે વલસાડ પાલિકાનાં મોલમાં શરૂ થતાં ટ્રાફિકમાં પણ રાહત થશે.
ગુજરાતની અગ્રીમ બેંક ઓફ બરોડાની સ્ટેશન રોડ ઉપર આવેલી શાખાનું આજરોજ સ્થળ બદલવામાં આવ્યું છે. જે આઝાદ ચોક પાસેથી ખસેડીને સ્ટેડિયમ રોડથી ભીડભંજન મહાદેવ મંદિરે જતા રોડ ઉપર વલસાડ પાલિકાના મોલમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર કાર્યરત કરવામાં આવી છે. ટાવર પાસે ટ્રાફિકથી ભરચક વિસ્તારને સ્થાને અંદરના રોડે બ્રાન્ચ ખસેડાતા ગ્રાહકોને વાહન પાર્ક કરવાની સુવિધામાં પણ વધારો થયો છે. સાથે જ અધ્યતન બિલ્ડીંગમાં ગ્રાહકોને વધુ સારી સુવિધા પ્રાપ્ત થશે. નવા પરિસરમાં ગ્રાહકોને પાર્કિંગ તથા ઈ-લોબીની સુવિધા પણ મળી રહેશે.
આજરોજ વલસાડ જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે દ્વારા બેંક ઓફ બરોડાની સ્ટેશન રોડ શાખાનું નવા પરિસરમાં ઉદ્ઘાટન કરવાનાં પ્રસંગે બેંક ઓફ બરોડાના વલસાડ ક્ષેત્રના ક્ષેત્રીય પ્રમુખ (વડા) શ્રી શૈલેન્દ્ર કુમાર સિંઘ તથા શાખાના મેનેજર શ્રી અજય બોઇપાઈ ઉપસ્થિત રહ્યા હતાં. આ ઉપરાંત બેંકના વફાદાર ગ્રાહકોએ પણ ઉપસ્થિત રહી શાખા સ્થળાંતરને આવકાર આપ્યો હતો. બેંક ઓફ બરોડા સ્ટેશન રોડ શાખાની સ્થાપનાં સને 24 જુલાઈ 1976ના રોજ થઇ હતી. પરંતુ સમયના બદલાતા પ્રવાસ સાથે વાહન પાર્કિંગની તાતી જરૂરિયાતો ઉપસ્થિત થતા બેંકે ગ્રાહકોના હિતમાં આ નિર્ણય લઈ વર્ષો બાદ વલસાડ પાલિકાના મોલમાં ગ્રાઉન્ડ ફ્લોર પર બેંક સ્થળાંતર કરી છે.