ગુજરાત એલર્ટ । આહવા
રાજ્યના ધરતીપુત્રોને રવિ સિઝનમાં રવિપાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે સૂક્ષ્મ જાણકારી પૂરી પાડવા સાથે, વિવિધ ખેડૂતકલ્યાણ લક્ષી યોજનાઓની જાણકારી પૂરી પાડવા માટે રાજ્યભરમાં તમામે તમામ તાલુકા કક્ષાએ બે દિવસિય ‘રવિ કૃષિ મહોત્સવ’ નું આયોજન કરાયું છે. જે મુજબ સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિને વરેલા ડાંગ જિલ્લામાં પણ તારીખ ૨૪ અને ૨૫ નવેમ્બરના રોજ બે દિવસ ‘રવિ કૃષિ મહોત્સવનું’ આયોજન જિલ્લા વહીવટી તંત્રએ ઘડી કાઢ્યું છે.
ડાંગ જિલ્લા વહીવટી વડા એવા કલેક્ટર મહેશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી આર.એમ. ડામોર તથા પ્રાંત અધિકારી પ્રિતેશ પટેલની રાહબરી હેઠળ ડાંગ જિલ્લાના ત્રણેય તાલુકાઓ આહવા, વઘઈ અને સુબીર ખાતે પણ તારીખ ૨૪ અને ૨૫ નવેમ્બર દરમિયાન ‘રવિ કૃષિ મહોત્સવ’ નું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે.જે મુજબ આહવા તાલુકા અને જિલ્લા કક્ષાનો કાર્યક્રમ તારીખ ૨૪/૧૧/૨૦૨૩ ના રોજ ગુજરાત વિધાનસભાના નાયબ દંડક વિજયભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને, આહવાના ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે, સુબીર તાલુકાનો કાર્યક્રમ જિલ્લા પંચાયતના અધ્યક્ષા નિર્મળાબેન ગાઇનના અધ્યક્ષસ્થાને સુબીર સ્થિત નવજોત સ્કૂલ ખાતે, અને વઘઇ તાલુકાનો કાર્યક્રમ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ભરતભાઈ ભોયેના અધ્યક્ષ સ્થાને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે આયોજિત કરાયો છે.
સમગ્ર કાર્યક્રમના સૂચારુ આયોજન, વ્યવસ્થા અર્થે તાલુકા અને જિલ્લા કક્ષાની વિવિધ સમિતિઓની રચના કરી, સંબંધિત વિભાગ/કચેરીઓને જવાબદારીઓ સુપ્રત કરી દેવામાં આવી છે. કાર્યક્રમ દરમિયાન લાભાર્થી ખેડૂતોની વિગતો સહિત પ્રાકૃતિક ખેતીને લગતી જાણકારી, કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શનના સ્ટોલની વિગતો સહિત મોડલ ફાર્મની મુલાકાત, ડિજિટલ સેવા સેતુ સહિત મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંગેની જનજાગૃતિ, પશુ આરોગ્ય મેળો, તબીબી વ્યવસ્થા, વીજળી અને પાણી સહિત સ્વચ્છતાની બાબતો, કાયદો અને વ્યવસ્થા સહિત ટ્રાફિક નિયમન જેવા મુદ્દે સંબંધિતોને જવાબદારીઓ સુપ્રત કરી દેવામાં આવી છે.
ડાંગ કલેકટર મહેશ પટેલે સૌ અધિકારીઓને પરસ્પર સંકલન અને સહયોગ સાથે ડાંગ જિલ્લાના ત્રણેય કાર્યક્રમને સફળ બનાવવા અંગેનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.