ધરમપુરના ગરીબ આદિવાસી પરિવારની દીકરીએ કોચિંગ કલાસ વિના જીપીએસસીની પરીક્ષા પાસ કરી સ્ટેટ ટેક્સમાં આસિ. કમિશનર તરીકે નોકરી મેળવી

ગુજરાત એલર્ટ । વલસાડ
‘‘મન હોય તો માળવે જવાય’’, ‘‘અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી…’’ જેવી પ્રચલિત કહેવતને શાશ્વત કરી વલસાડ જિલ્લાના સંપૂર્ણ આદિવાસી એવા ધરમપુર તાલુકાના કાકડકૂવા ગામના ગરીબ આદિવાસી પરિવારની દીકરીએ કોઈપણ કોચિંગ કલાસીસમાં ગયા વિના તાજેતરમાં ગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસસી) દ્વારા લેવાયેલી વર્ગ – ૧ ની પરીક્ષામાં સિલેક્ટ થઈ સમગ્ર રાજ્યમાં આદિવાસી (મહિલા) કેટેગરીમાં બીજો ક્રમાંક મેળવી વલસાડ જિલ્લો અને આદિવાસી સમાજનું નામ ઝળહળતુ કર્યુ છે.
જીપીએસસીની પરીક્ષા પાસ કરનાર ધરમપુરના કાકડકૂવા ગામની ૨૮ વર્ષીય દીકરી આયુષી ગોવિંદભાઈ પટેલ ગામડાની સરકારી શાળામાં શિક્ષણ મેળવી વલસાડની જ સાયન્સ કોલેજમાં એમ.એસસી સુધીની ડિગ્રી મેળવી હતી પરંતુ આ દરમિયાન તેમના પિતાનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થતા દોઢ વર્ષ સુધી આઘાતમાં સરી પડી હતી પરંતુ પપ્પાનું સ્વપ્ન હતું કે, મારી દીકરી અધિકારી બને. આયુષીના મનમાં ખૂબ જ મક્કમતા હતી પરંતુ યોગ્ય દિશા અને માર્ગદર્શન ન મળતા શરૂઆતના તબક્કામાં અનેક પરીક્ષાઓમાં નિષ્ફળતા મળી હતી. આ દિવસો દરમિયાન ધરમપુરની શ્રીમંત મહારાણા શ્રી નારણદેવજી લાઇબ્રેરીમાં વાંચન શરૂ કર્યુ ત્યારે યુપીએસસીની તૈયારી કરતા વંદનાબેન ડોબરીયાએ જીપીએસસી પરીક્ષા પાસ કરવા માટે સ્પીપામાં એડમિશન મેળવવા અને તે માટે પરીક્ષાની તૈયારી કરવા માર્ગદર્શન આપ્યુ હતું. જેથી તૈયારી કરી અમદાવાદ સ્પીપામાં પ્રવેશ મેળવી સરકારી અધિકારી બનવા માટે દિવસ-રાત ૧૦ થી ૧૨ કલાક સુધી તૈયારી કરી હતી. ત્યારબાદ સૌ પ્રથમ DGVCL માં જુનિયર ક્લાર્ક તરીકે સુરતમાં, ડેપ્યુટી સેક્શન અધિકારી, શિક્ષણ વિભાગ, ગાંધીનગર સચિવાલયમાં પોસ્ટીંગ મેળવ્યું હતું. પરંતુ આયુષીને આટલે સુધી સંતોષ ન હતો, આયુષીનું સ્વપ્ન યુપીએસસી પરીક્ષા પાસ કરવાનું હતું જે માટે નોકરી સ્વીકારી સાથે જીપીએસસીની પરીક્ષાની તૈયારી ચાલુ રાખી. નોકરી સાથે રોજ સવાર-સાંજ ૫ થી ૬ કલાક વાંચન કરી તાજેતરમાં જાહેર થયેલા જીપીએસસીના પરિણામમાં સિલેક્ટ થઈ આસિસ્ટન્ટ કમિશનર ગુજરાત સ્ટેટ ટેકસ ક્લાસ -૧, નાણાં વિભાગમાં પોસ્ટીંગ મેળવ્યું છે.
પોતાની ઝળહળતી સફળતા અંગે આયુષી પટેલ કહે છે કે, જીપીએસસીની પરીક્ષા પ્રથમવાર આપી ત્યારે ઈન્ટવ્યુ સુધી પહોંચી હતી, બીજો પ્રયાસ કર્યો ત્યારે મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર તરીકે વર્ગ -૨માં કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકારી વિભાગમાં નોકરી મેળવી હતી ત્યારબાદ હિંમત હાર્યા વિના ત્રીજો પ્રયાસ કરતા હાલમાં જાહેર થયેલા પરિણામમાં હુ પાસ થઈ અને આસિ. કમિશનર વર્ગ-૧ તરીકે નોકરી મેળવી છે. આયુષીએ ખાસ કરીને ગુજરાત સરકારના સ્પીપા સેન્ટરનો આભાર માનતા જણાવ્યું કે, સ્પીપામાં પ્રવેશ મળ્યા બાદ ગૃપ ડિસ્ક્શન અને અન્ય અધિકારીઓ સાથે મુલાકાત થતા તૈયારીમાં જોમ પુરાયુ હતું. રાજ્ય સરકાર દ્વારા અહીં રહેવા- જમવાની અને ભણવાની સુવિધા નિઃશૂલ્ક હતી સાથે દર મહિને રૂ. ૨ હજારનું સ્ટાઈપેન્ડ પણ મળતુ હતું. જેથી આ સફળતા માટે ગુજરાત સરકાર અને મારા માતા હંસાબેન, ભાઈ તરલ તેમજ નિવૃત્ત શિક્ષક મામા શંકરભાઈનું ખૂબ જ મોટુ યોગદાન છે. હવે હુ યુપીએસસીની પરીક્ષા ક્રેક કરવા માટે તૈયારી કરી રહી છું.

સોશિયલ મીડિયાથી દૂર રહી જૂના ૫૬ પ્રશ્નપત્રો સોલ્વ કરી સફળતા મેળવી
સફળતાના રહસ્ય અંગે આયુષી જણાવે છે કે, નોકરીના સમય બાદ પણ તૈયારી ચાલુ રાખી હતી. અગાઉ લેવાયેલી પરીક્ષાના કુલ ૫૬ જૂના પ્રશ્નોપત્રો સોલ્વ કર્યા જેના થકી લખવામાં ફાવટ આવી અને યુ-ટ્યુબ પર વીડિયો પણ જોયા હતા. આ સિવાય વોટ્સઅપ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ જેવી સોશિયલ મીડિયા સાઈટથી અંતર બનાવી લીધુ હતું. ગુજરાત ગ્રંથ નિર્માણના પુસ્તકો, વર્તમાન પત્રો અને કરંટ એફેર્સ પર વધુ ફોક્સ કર્યુ હતું. સરકારી નોકરી માટે તૈયારી કરતા યુવાધનને પણ સંદેશ આપતા આયુષી જણાવે છે કે, સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગથી ધ્યાન કેન્દ્રિત રહેતુ નથી. જેથી જેટલા અળગા રહો એટલુ સારુ. ખાસ કરીને આજના યુવાનો એકાદ બે વાર પરીક્ષા આપી નાસીપાસ થઈ જાય છે તેવા લોકોને મારે એટલુ જ કહેવાનું છે કે, જ્યાં સુધી સ્વપ્ન સાકાર ન થાય ત્યાં સુધી સ્વામી વિવેકાનંદજીનું વાક્ય ‘‘ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો…’’ ને મનમાં ગાંઠ વાળી લઈ જ્યાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી પ્રચંડ પુરૂષાર્થ ચાલુ રાખો તો સફળતા અવશ્ય મળે જ છે.

દીકરીએ પિતાનું સ્વપ્ન પુરૂ કર્યુ તેનો ગર્વ છેઃ ગૃહિણી માતા

ઘરકામ કરતા આયુષીના માતા હંસાબેન પટેલે જણાવ્યું કે, આયુષીના પિતાના મોત બાદ પરિવારની આર્થિક સ્થિતિ નબળી હતી પરંતુ પિતાના સપનાને સાકાર કરવા માટે આયુષીએ દિવસ રાત મહેનત કરી આજે શાનદાર સફળતા મેળવી છે જે બદલ ગર્વ અનુભવુ છું.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!