ગુજરાત એલર્ટ । આહવા
દિવાળી, નૂતન વર્ષ, અને ભાઈબીજના તહેવારોમાં સાપુતારા સહિત સમગ્ર ડાંગના પ્રવાસન સ્થળો ઉપર માનવ મહેરામણ ઉમટયું હતું. વેકેશન માણવા ડાંગ જિલ્લામાં આવતા પ્રવાસીઓને, જુદા જુદા પ્રવાસન સ્થળોની જાણકારી આપવા સાથે તેમને યોગ્ય માર્ગદર્શન આપવાની ભૂમિકા નિભાવતા ડાંગ પોલીસ બેડાના ચુનંદા જવાનો એવા ‘પોલીસ મિત્ર’ તેમની આ ભૂમિકા સુપેરે નિભાવી રહ્યા છે.
જિલ્લા પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયાના માર્ગદર્શન હેઠળ, નાયબ પોલીસ અધિક્ષક સુનિલ પાટીલની રાહબરી હેઠળ ગઠિત આ ‘પોલીસ મિત્ર’ ની ટિમે, દિવાળી, નૂતન વર્ષ, અને ભાઈબીજની રજાઓમાં પોતાના ઘર પરિવારની પરવાહ કર્યા વગર, પ્રવાસીઓને મદદરૂપ થવાની તેમની ફરજ નિભાવી હતી.
ઉલ્લેખનીય છે કે, ડાંગના આ ‘પોલીસ મિત્ર’ પ્રવાસીઓને પ્રવાસન સ્થળોની જાણકારી પૂરું પાડવા સાથે, માર્ગ અકસ્માત, ટ્રાફિક નિયમન, કોઈ પણ પ્રકારની ઇમરજન્સી, પિક પોકેટિંગ, સાયબર ક્રાઈમ સહિતની બાબતોથી પણ પ્રવાસી પરિવારોને માહિતગાર કરી રહ્યા છે.
પોલીસ વિભાગના આઈડેન્ટિટી કાર્ડ સાથે અધિકૃત આ ‘પોલીસ મિત્ર’ પ્રવાસીઓને ડિજિટલ ક્યૂઆર કોડના માધ્યમથી પણ ડાંગ જિલ્લાના પ્રવાસન સ્થળોની જાણકારી આપી રહ્યા છે.
પર્યટકો પણ ‘પોલીસ મિત્ર’ની મદદ મેળવી ડાંગ પોલીસ, અને જિલ્લા વહીવટી તંત્રના પ્રયાસોની સરાહના કરી રહ્યા છે.