ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડના તિથલ BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે દિવાળીના શુભ દિવસે એટલે કે, સવંત ૨૦૭૯ આસો વદ અમાસની મંગલતિથીએ સનાતન હિન્દુ ધર્મના પરમ પવિત્ર પર્વ શારદા પૂજન એટલે ચોપડાપૂજન વિધિ વૈદિક રીતે સંપન્ન થઈ હતી. જ્યારે સોમવારે મંદિરમાં ૨૧૦૦ વાનગીનો અન્નકૂટોત્સવ હર્ષોલ્લાસભેર ઉજવાયો હતો.
દિવાળીના પાવન પર્વે વલસાડની વિવિધ પેઢીઓ, વેપારીઓ, ધંધાદારીઓ, વિદ્યાર્થીઓના ચોપડાનું પૂજન કરવામાં આવ્યું હતું. આ મહાપૂજા વિધિમાં સદગૃહસ્થો ભક્તિભાવથી જોડાયા હતા. આ પર્વ છેલ્લા ૨૫ વર્ષથી અહીં ઉજવાય છે અને આવતુ વર્ષમાં તિથલ સ્વામિનારાયણ મંદિરના ૨૫ વર્ષ પુરા થઈ રહ્યા છે જે સમગ્ર વર્ષ દરમિયાન રજત જયંતિ મહોત્સવ તરીકે ઉજવાશે. આ પર્વે મંદિરના સમગ્ર પરિસરને દીપમાળા, રંગોળી અને ફુલહારથી સજાવવામાં આવ્યું હતું.
ચોપડા પૂજનના અંતે તિથલ સ્વામીનારાયણ મંદિરના કોઠારી પૂજય વિવેકસ્વરૂપ સ્વામીએ દિવાળી અને નવા વર્ષની દરેકને શુભેચ્છાઓ આપી આશીર્વાદ પાઠવ્યા હતા. જેમાં તેઓએ દરેકનો વ્યવહાર સુધરે, જીવનમાં નૈતિકતા આવે અને દરેકના ચોપડા પવિત્ર અને ચોખ્ખા રહે. વર્ષના અંતે થયેલી ભૂલોને ભૂલી એક નવી શરૂઆત કરવી અને આપણા વ્યક્તિગત જીવનનું પણ નામું માંડવું સાથો સાથ વિશ્વશાંતિ અને વસુધૈવ કુટુંબકમ્ની ભદ્ર ભાવના જીવનમાં લાવી દરેકનું જીવન સુખમય અને આનંદમય બને એવા આશીર્વાદ આપ્યા હતા. દિવાળીના પાવન પર્વ પ્રસંગે મોટી સંખ્યામાં વિદેશથી પણ ભક્ત સમુદાય ઉમટ્યો હતો.
આજે તા.૧૩ નવેમ્બરને સોમવારના રોજ સવારે સત્સંગ સભા અને વિવિધ પ્રકારની ૨૧૦૦ વાનગીના અન્નકૂટના દર્શનનો ભક્તજનોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી.