ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લાના લાખો લોકોનું આસ્થા કેન્દ્ર ભીડભંજન મહાદેવ મંદિરે નવા વર્ષની શરૂઆતમાં લાભ પંચમીથી કથાકાર પ્રફુલભાઇ શુક્લની 857મી શ્રી રામ કથાનો મંગળ આરંભ થશે. આયોજક પુજ્ય શિવજી મહારાજ (બાપજી )જણાવે છે કે અયોધ્યામાં રામલાલાની થઇ રહેલી પ્રાણ પ્રતિષ્થા ઉત્સવ ખુશાલીની શરૂઆત ભીડભંજન મહાદેવ મંદિરે રામકથાથી કરવામાં આવશે.જેની પોથી યાત્રા નીકળશે. કથામાં સદગુરૂદેવ પૂજ્ય વિદ્યાનંદ સરસ્વતી મહારાજ, સંતો, મહાત્મા, કથાકારો ઉપસ્થિત રહી આશીર્વચન આપશે. કથાનો સમય દરરોજ બપોરે 3 થી 6 રાખવામાં આવ્યો છે. તા.18/11થી 26/11/2023 સુધી કથા ચાલશે. આ પ્રસંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં કથાકાર પ્રફુલભાઇ શુક્લએ કહ્યું હતું કે ઘણા સમયથી મારી અંતર ઈચ્છા હતી કે ભીડભંજન મહાદેવને રામકથા સંભળાવું, કારણ કે શિવને અતિ પ્રિય રામકથા છે પૂજ્ય શિવજી મહારાજની પ્રેરણાથી આ અવસર આવ્યો છે. મહાદેવના સાનિધ્યમાં રામકથા કહેવી અને સાંભળવી મહાપુન્ય કાર્ય છે. આ રામકથાના આયોજનથી ભીડભંજન મહાદેવના ભક્તો અને સનાતન ધર્મ પ્રેમીઓમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે. ભાવિકો આતુરતાથી લાભ પંચમીની રાહ જોઈ રહ્યા છે.