આહવા-અમદાવાદ રૂટ ઉપર અત્યાધુનિક સુવિધા ધરાવતી બસ શરૂ કરાઇ

ગુજરાત એલર્ટ l આહવા
રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા અત્યંત આધુનિક અને આરામ દાયક બસો રાજ્યના જાહેર મુસાફર જનતાની સેવામા મૂકાતા, ગુજરાત એસ.ટી. પણ આધુનિક પરિવહન સેવાઓ માટે કીર્તિમાન સ્થાપી રહી છે. જેના ભાગરૂપે, ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે કાર્યરત એસ.ટી ડેપોને પણ નવીન, આરામ દાયક અને સુવિધાયુક્ત બસો આપતા ડાંગના મુસાફરોમા ખુશીની લાગણી પ્રસરવા પામી છે.
જેના ભાગરૂપે આહવા તાલુકા પંચાયતના પ્રમુખ સુરેશભાઈ ચૌધરીના હસ્તે ગ્રામજનો, તથા મુસાફર જનતાની ઉપસ્થિતિમા આહવાથી સવારે ૯:૦૦ કલાકે ઉપડતી આહવા-અમદાવાદ રૂટ ઉપર નવીન બસ ફાળવી તેને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું હતું.
આ અવસરે આહવા તાલુકા સદસ્ય નયનાબેન, આહવા ગૃપ ગ્રામ પંચાયતના સરપંચ હરિચંદભાઈ ભોયે, ડેપો મેનેજર કિશોરસિંહ પરમાર તથા એસ.ટી.કર્મીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
દરમિયાન સુરેશભાઇ ચોધરીએ જણાવ્યુ હતુ કે, ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા, મુસાફરોની સરળતા માટે ગુજરાત રાજ્યની બસોના આધુનિકરણ સાથે, આકર્ષક કલર અને ડિઝાઈન સાથેની બસો, કે જે ખાનગી બસોને પણ પડકાર આપે તેવી સુંદર બસો પ્રવાસીઓની સેવામાં સમર્પિત કરવામાં આવી રહી છે.
ડાંગ જેવા દુર્ગમ અને છેવાડે આવેલા જિલ્લાએ થી અમદાવાદ તરફ મુસાફરી કરનાર જિલ્લાના વિધ્યાર્થીઓ, અને અન્ય મુસાફરોને આ બસ ખુબ જ ઉપયોગી સાબીત થશે.
રાજ્યના છેવાડે આવેલ ડાંગ જિલ્લાની મુસાફર જનતાને પણ આધુનિક સુવિધાઓથી સજ્જ નવીન બસો મળી રહે તે માટે વિભાગીય નિયામક એન.એસ.પટેલ વિશેષ પ્રયાસો કરી રહ્યા છે, તેમ ડેપો મેનેજર કિશોરસિંહ પરમારે પૂરક વિગતો આપતા જણાવ્યું હતું.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!