વલસાડ એસટી વિભાગીય કચેરીમાં કામદાર કલ્યાણ પ્રવૃત્તિ સેમિનાર અને ૧૦૮ સેવાનો નિદર્શન કાર્યક્રમ યોજાયો

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ એસટી વર્કશોપની સુવર્ણ જયંતી અવસરે કામદાર કલ્યાણ પ્રવૃત્તિ સેમિનાર અને ૧૦૮ સેવાનો નિદર્શન કાર્યક્રમ ધરમપુર રોડ પર સ્થિત વિભાગીય કચેરી ખાતે યોજાયો હતો.
વલસાડ એસટીના વિભાગીય નિયામક એન એસ પટેલે કાર્યક્રમના હેતુ વિશે જણાવી તમામ માટે ૧૦૮ વધુ ઉપયોગી કેવી રીતે બને તે જણાવ્યું હતું. ગુજરાતની ૧૦૮ સેવાના અમદાવાદ સ્થિત મધ્યસ્થ કાર્યાલયના સીઓઓ ડો. જશવંત પ્રજાપતિએ જણાવ્યું કે, ૧૦૮ સેવા ભારતમાં તો કાર્યરત છે પણ પાડોશી દેશ શ્રીલંકામાં પણ છેલ્લા પાંચ વર્ષથી પુરી પડાતી સેવાનો તમામ ખર્ચ ભારત સરકાર ઉપાડે છે. ઇએમએલસી ડૉ. હાર્દિકભાઈ શાહે ૧૦૮ અને ૧૮૧ ની તાકીદની સેવા વિશે જાણકારી આપી એમ્બ્યુલન્સમાં શું શું હોય છે અને તેની ઉપયોગીતાની જાણકારી આપી હતી. કોઈ માણસ અચાનક ઢળી પડે તો તાત્કાલિક શું કરવું તે અંગે નિદર્શન કર્યું હતું. ૧૦૮ સેવા અંગે પ્રશ્નોત્તરીમાં નવસારી ડેપોના મેનેજર ગાંધીએ ભાગ લીધો હતો. ડ્રાઇવર, કંડકટર, મિકેનિક અને વહીવટી યાંત્રિક અધિકારી- કર્મચારીઓએ આ સેમિનારમાં ભાગ લઈ ખાસ કરીને ૧૦૮ અને ૧૮૧- ગુજરાત સરકારની એમ્બ્યુલન્સ સેવાના નિદર્શનથી માહિતગાર થયા હતા.

આ કાર્યક્રમમાં ૧૦૮ સેવાના વલસાડ, નવસારી અને ડાંગના પ્રોગ્રામ મેનેજર કમલેશ પઢીયાર, સંઘ પ્રદેશના જીતેન્દ્ર મહારાજ, વલસાડ જિલ્લા સંચાલક સંજય વાઘમારે, કો-ઓર્ડીનેટર નિમેશ પટેલ, ચંદ્રકાંત મકવાણા, એસટીના ડિવિઝનલ ટ્રાફિક ઓફિસર સ્નેહલ પટેલ, સિનિયર ડિવિઝનલ મિકેનિકલ એન્જિનિયર ભાવેશ પટેલ અને વિવિધ ડેપોના મેનેજરો ઉપસ્થિત રહ્યા હતા. સેમિનારનું સંચાલન નાયબ વહીવટી અધિકારી હેતલ ભટ્ટ દ્વારા થયું હતું.

મહાનુભાવોના હસ્તે ધરમપુર ડેપોના શ્રેષ્ઠ ડ્રાઇવર નિલેશ નગીનભાઈ પટેલને શ્રેષ્ઠ કેએમપીએલ ૭.૯૨ લાવવા બદલ, આહવાના માનસિંગભાઈ, નવસારીના સંજયભાઈ, વાપીના રોહિતકુમાર, બીલીમોરાના નરેશ સોલંકી, વલસાડના અજયકુમાર, શ્રેષ્ઠ કંડકટર તરીકે વલસાડ ડેપોના અમ્રતભાઈ ઉ. પટેલને સૌથી વધુ આવક પ્રતિ કિલોમીટર રૂ. ૩૮-૫૬ લાવવા બદલ, બીલીમોરાના ઉમેશ આહીર, વાપીના જયેશ ડોડીયા, ધરમપુરના રાજેશ ગળવી, નવસારીના દિલીપ વાળંગર તથા આહવાના વિજય પટેલ, જ્યારે શ્રેષ્ઠ મિકેનિક તરીકે આર્ટ-એ મિકેનિકમાં નવસારી- તરુણકુમાર, બીલીમોરા અશ્વિનભાઈ, વાપીના રમેશભાઈ, ધરમપુરના વિમલભાઈ, આહવાના સતિષભાઈ અને વલસાડ ડેપોના મહેશ ટંડેલ- હેલ્પરનું સન્માન કરી પ્રશસ્તિપત્રો અપાયા હતા. બીલીમોરા ડેપો ખાતે ૮ તથા વાપી ડેપો ખાતે ૨ નવાઆંગતુક ડ્રાઇવરને નિમણૂક પત્રો અપાયા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!