ગુજરાત એલર્ટ । નવી દિલ્હી
પીએમ મોદીએ સભામાં મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ આગામી પાંચ વર્ષ સુધી ગરીબોને વિના મૂલ્યે રાશન મળતું રહેશે. તેમની આ જાહેરાતોથી દેશના લગભગ 80 કરોડથી વધુ લોકોને લાભ મળશે.
આજરોજ છત્તીસગઢમાં ચૂંટણી પ્રચાર દરમિયાન યોજાયેલી જનસભાને સંબોધન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે મે નિશ્ચય કર્યો છે કે દેશના 80 કરોડ ગરીબોને મફત રાશન આપનારી યોજનાને ભાજપ સરકાર હવે આગામી 5 વર્ષ માટે આગળ વધારશે. તમારો આ પ્રેમ અને આશીર્વાદ મને હંમેશા પવિત્ર નિર્ણય લેવાની તાકાત આપે છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ગરીબ નાગરિકોને પાંચ કિલો ઘઉં કે ચોખા મફતમાં મળે છે. તેની જાહેરાત 30 જૂન 2020ના રોજ કરવામાં આવી હતી. આ યોજનાને સમયાંતરે લંબાવવામાં આવતી રહી. સરકારે પહેલા ડિસેમ્બર 2023 સુધી તેને લંબાવી હતી. હવે પીએમ મોદીએ ચૂંટણી પ્રચાર દરમિયાન આ યોજનાને આગામી પાંચ વર્ષ માટે લાગૂ રાખવાની વાત કરી છે. કોરોના વાયરસ સામેની લડત લડવામાં મદદ મળી શકે તે માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના રાહત પેકેજ તરીકે શરૂ કરવામાં આવી હતી.