ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના હુડા અને વીરક્ષેત્ર ગામમાં જરૂરિયાતમંદ લોકોને ખેતી, પશુપાલનમાં મદદરૂપ થાય, ઘરવપરાશમાં બાળકોને દૂધ મળે અને દૂધ ડેરીમાં ભરી આજીવિકા મેળવે એવા શુભ આશયથી લાલજી વેલજી શાહ ગૌશાળા તથા વલસાડ પાંજરાપોળના ટ્રસ્ટી અનીશભાઈ શેઠિયાના સહકારથી મોટાપોંઢા કોલેજના પ્રોફેસર અને ગૌદાન પ્રોજેક્ટના ચેરપર્સન પ્રા. ડૉ.આશા ગોહિલ દ્વારા ગૌદાન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૧૩ ગાય અને ૨૧ બળદ મળી કુલ ૩૪ ગૌવંશ પુરા પાડવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ગામના સરપંચ તથા કાળુભાઈ, રમેશભાઈ જેવા ગામના આગેવાનોના સહકારથી આ કાર્યક્રમમાં ફોરેસ્ટ નિવૃત્ત અધિકારીશ્રી દેવરાજ બાપા કરડાની (વલસાડ), શ્રી મહેશભાઈ ગાંવિત (સુથારપાડા) ની મદદ મળી હતી. ગૌદાનના કુલ ૭૧ કાર્યક્રમ થકી અત્યાર સુધીમાં કુલ ૧૬૨૫ ગૌવંશ જરૂરિયાતમંદ લોકોને પૂરાં પાડી ભગીરથ કાર્ય થઈ રહ્યું છે.