ગુજરાત એલર્ટ | વલસાડ
રૂ. ૧૦ લાખ સુધીનું આરોગ્ય કવચ આપતા આયુષ્યમાન ભારત કાર્ડ માટે હવે આરોગ્ય કેન્દ્ર કે અન્ય સેન્ટરો કે કચેરીમાં જવાની જરૂર નથી. ઘર બેઠા મોબાઈલ દ્વારા ઓનલાઈન પ્રક્રિયાથી આયુષ્યમાન કાર્ડ બની જશે. વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં એન.એફ.એસ.એ. રેશન કાર્ડ ધરાવતા ૩૨૧૮૮ લોકોના આયુષ્યમાન કાર્ડ પી.એમ.જે.એ.વાય. ની નવી માર્ગદર્શિકા મુજબ બની ચૂક્યા છે.
પી.એમ.જે.એ.વાય. (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના) – મા યોજના/ આયુષ્માન ભારત કાર્ડ BIS 2.0 એપ્લિકેશનમાં એનરોલમેન્ટની સરળ કામગીરી કઈ રીતે કરી શકાય તે અંગેની જરૂરી માહિતી અર્થે કેન્દ્ર સરકાર દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.
જેમાં જણાવ્યું છે કે, સૌ પ્રથમ મોબાઈલ દ્વારા પ્લે સ્ટોરમાં લોગીન થઈને આયુષ્માન એપ https://play.google.com/store/apps/details?id=com.beneficiaryapp&pli=1 ડાઉનલોડ કરવાની રહેશે, ત્યારબાદ બેનીફીસરીના ઓપ્સન પર કલીક કરી લોગીન કરવું અને પોતાનો મોબાઈલ નંબર એન્ટર કરી વેરીફાઈ કરવો ત્યારબાદ ઓ.ટી.પી. એન્ટર કરી લોગીન કરવું અને ત્યારબાદ રેશન (સરકારી અનાજ) લેતા એન.એફ.એસ.એ. ના કુટુંબનો રેશનકાર્ડનો નંબર ફેમિલી આઇ.ડી.માં નાખતાની સાથે જ કુટુંબના તમામ સભ્યોની વિગતો બતાવશે.
આ પ્રકિયા અંતર્ગત આગળ જતાં બાકી રહેલા સભ્યોની સામે ક્લિક કરવું અને આધાર કાર્ડ નંબર આવશે તેને વેરીફાઈ કરવું જેથી આધાર સાથે લિન્ક મોબાઈલ નંબર પર ઓ.ટી.પી. થી વેરીફાઈ કરવું. ત્યારબાદ આધાર કાર્ડમાં આવેલા ફોટાની બાજુમાં જે તે લાભાર્થીનો લાઈવ ફોટો અપલોડ કરવાનો રહેશે, ફેમીલીના કોઈપણ સભ્યોનો મોબાઈલ નંબર નાખી ઓ.ટી.પી. થી વેરીફાઈ કરવો તથા આધાર કાર્ડ મુજબ પિનકોડ, જિલ્લો, તાલુકો, ગામની વિગતો ભરવી. ત્યારબાદ સબમીટ કરતાં એનરોલમેન્ટની પ્રોસેસ પૂર્ણ થાય છે. ત્યારબાદ ડાઉનલોડ પર ક્લિક કરી આયુષ્માન ભારત કાર્ડ પી.ડી.એફ. સ્વરૂપે લાભાર્થીને ગણતરીના કલાકોમાં મળી જશે.