વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારત મિશનના સ્વપ્નને સાર્થક કરતી વાપીની ‘એસએચ એન્જીટેક’

ગુજરાત એલર્ટ | વલસાડ
દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સ્વચ્છ ભારત મિશન’ના સ્વપ્નને હકીકતમાં પરિવર્તિત કરવા દેશવાસીઓ સહયોગ કરી રહયા છે. સ્વચ્છતા થકી ક્લાઈમેટ ચેન્જના વૈશ્વિક ખતરા સામે લડી શકાશે. ઔદ્યોગિક વિકાસની સાથે પ્રદૂષણ ફેલાતું અટકાવવું ખૂબ જ આવશ્યક છે. પ્લાસ્ટિક કે ઘન કચરાથી જમીન, પાણીનું પ્રદૂષણ થાય છે પરંતુ ઉદ્યોગોના વિકાસ સાથે વાયુ પ્રદૂષણ થવાની સંભાવનાઓ વધી જાય છે. વલસાડ જિલ્લામાં વાપી, ઉમરગામ, વલસાડ, પારડી તાલુકાઓની જીઆઇડીસીમાં વિવિધ ઔદ્યોગિક એકમો આવેલા છે. જેના ધૂમાડાના કારણે વાયુ પ્રદૂષણ થવાની સંભાવનાઓ રહેલી છે. આ ધૂમાડાને કારણે થતાં વાયુ પ્રદૂષણને અટકાવવા માટે વાપીની એન્જીનિયરિંગ કંપની ‘એસએચ એન્જીટેક’ દ્વારા અનોખા સ્ક્રબરની ફિલ્ટરેશન પદ્ધતિ વિકસાવવામાં આવી છે. જેના કારણે વાયુ પ્રદૂષણ અટકશે એટલું જ નહીં પરંતુ કેમિકલયુક્ત ધૂમાડાના રિસાઈકલ દ્વારા કેમિકલનો ફરી ઉપયોગ પણ કરી શકાય છે. વાયુ પ્રદૂષણને અટકાવતી પદ્ધતિ દ્વારા રાજય સરકારના સ્વચ્છ ભારત મિશનના સ્વપ્નને સાર્થક કરી રહી છે.

ઔદ્યોગિક એકમોની ચીમનીમાંથી નીકળતા ધૂમાડાને ફિલ્ટર કરવાની ‘સ્ક્રબર’ પદ્ધતિને એક ડગલું આગળ લઈ જઈને ધૂમાડાના ફિલ્ટરેશન સાથે રિસાઈકલ કરવાની પધ્ધતિ વિકસાવી છે. જેના કારણે આ એકમોમાંથી નીકળતો ધૂમાડો હવામાં કોઈ પ્રકારની ખરાબ અસર કરતી નથી અને વાયુ પ્રદૂષણ થતું અટકે છે. રિસાઈકલ કરવાથી બનેલા કેમિકલોનો ફરી ઉપયોગ કરી શકાય છે. ‘એસએચ એન્જીટેક’ સ્વચ્છતાની સાથે સાથે આત્મનિર્ભર ભારત બનાવવામાં પણ ફાળો આપી રહી છે. તેઓ ગુજરાતની એકમાત્ર કંપની છે કે જેઓ સ્ક્રબરની ડિઝાઈનથી લઈ સંપૂર્ણ પ્રોડક્ટનું નિર્માણ અને ઈન્સ્ટોલેશન પણ કરે છે. સંપૂર્ણ ભારતમાં માત્ર બે થી ત્રણ એકમો આ કાર્ય કરે છે.

પ્રોડક્ટની બનાવટમાં વપરાતા દરેક પાર્ટ્સ અને બીજી વસ્તુઓ ભારતીય બનાવટની જ વપરાશમાં લેવામાં આવે છે. સ્ક્રબરના ઉત્પાદનમાં નીકળતા કચરાનું પણ કંપનીમાં જ રિસાઈકલ કરી ફરી ઉપયોગમાં લઈ ઘન કચરા દ્વારા ફેલાતી ગંદકી ફેલાતી અટકાવી સ્વચ્છતા જાળવે છે. પ્રોડક્ટ નિર્માણમાં વાપરવામાં આવતી દરેક વસ્તુ રિસાઈકેબલ છે જેથી વાતવરણને કોઈ જ પ્રકારનું નુકશાન થતું નથી. પ્રોડક્ટનું નિર્માણ વાપીના કરાયા ખાતે કરવામાં આવે છે જેથી આશરે ૧૮૦ થી વધુ વ્યક્તિઓને રોજગારી આપવામાં સફળતા મળી છે.

એસએચ એન્જીટેકે વાઈબ્રન્ટ ગુજરાત હેઠળ વલસાડના વાપી ખાતે યોજાયેલા વાઈબ્રન્ટ વલસાડમાં પણ ભાગ લીધો હતો. તેમજ મેક ઈન ઈન્ડિયા અને આત્મા નિર્ભર ભારત દ્વારા પણ પ્રોત્સાહન મેળવ્યું છે. સંપૂર્ણ ભારતીય પ્રોડક્ટ હોવાથી દેશની જાણીતી ઈન્ડસ્ટ્રીઓમાં પણ પ્રોડક્ટનું ઈન્સ્ટોલેશન કર્યું છે અને હવે દરેક કંપની વાયુ પ્રદૂષણ ન ફેલાવે તેથી વધુ જગ્યાઓએ પણ પહોંચવાનું ધ્યેય છે. ભારતભરની સાથે સાથે દુનિયાભરમાં યુરોપ, સ્પેન, ઈટાલી, ઓસ્ટ્રેલિયા, સાઉદી અરેબિયા અને યુરોપિયન દેશોમાં પ્રોડક્ટની નિકાસ કરવામાં સફળતા મેળવી છે.

સરકારની યોજનાઓથી બિઝનેસ કરવામાં લોકોને ઘણા લાભો થઈ રહ્યા છે. સાથે સાથે તેઓ પણ દેશ પ્રત્યે પોતાનું કર્તવ્ય સમજી દેશના વિકાસમાં અનેક રીતે સહભાગી પણ થઈ રહ્યા છે. સ્વચ્છતા જળવવામાં અનોખી રીતે સહભાગી થઈ સ્વચ્છ ભારત મિશનમાં અનોખી રીતે પોતાનો ફાળો આપી સ્વચ્છ ભારત મિશનને સાર્થક કરી રહી છે.

ભારત દુનિયાભરમાં એક વિશ્વસનીય બ્રાન્ડ તરીકે ઊભરી આવી છે

એસએચ એન્જીટેકના ડાયરેક્ટર હરિંદર સિંઘે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની MSME સ્કીમ દ્વારા પ્રગતિ થઈ રહી છે. સેટઅપ કરવામાં સમયાંતરે સરકાર તરફથી આર્થિક સહાયની સબસીડી મળતાં ઝડપભેર કામ થયું હતું. MSME સર્ટિફિકેટ દ્વારા સેલ્સમાં પણ કોઈ તકલીફ પડતી નથી તેમજ વિશ્વસનીયતા વધી છે. આ પ્રોડક્ટ દ્વારા સ્વચ્છ ભારત મિશનનો ભાગ બની સ્વચ્છ ભારત બનાવવામાં ફાળો આપી રહ્યા છે જે ખૂબ જ ગર્વની વાત છે. આ પ્રોડક્ટ દ્વારા હવે દુનિયાભરન્માં ભારત એક વિશ્વસનીય બ્રાન્ડ તરીકે ઊભરી આવી છે. આ પ્રોડક્ટ ઘણી ઈન્ડસ્ટ્રીઓ દ્વારા ઈન્ટોલ કરાવવામાં આવી છે જેથી વાયુ પ્રદૂષણ અટકાવવામાં અને રિસાઈકલિંગ કરવામાં મદદ મળી રહી છે. સ્વચ્છ ભારત તથા રિન્યુએબલ એનર્જીને લક્ષ્યમાં રાખી વાયુ પ્રદૂષણ અટકાવવા અને રિસાઈકલ કરવા ઉપર વધુ ભાર મુકે છે સરકારની વાઈબ્રન્ટ ગુજરાત, મેક ઈન ઈંડિયા અને MSME સ્કીમ દ્વારા બિઝનેસને આગળ વધારવામાં ઘણી મદદ મળી છે તેથી હું સરકારનો હ્રદયપૂર્વક આભાર માનું છું.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!