ચોકલેટ અને કુરકુરેની લાલચ આપી વાપી ડુંગરાની 6 વર્ષીય બાળકી સાથે આધેડે દુષ્કર્મ આચર્યું હતું

ગુજરાત એલર્ટ | વલસાડ
વાપી ડુંગરાની માસૂમ બાળકીનું અપહરણ, બળાત્કાર અને હત્યા કેસમાં પોલીસે 50 વર્ષીય આરોપીને પકડી પાડયો હતો. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી 9 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
વાપીના ડુંગરી ફળિયામાં રહેતા મુસ્લિમ પરિવારની છ વર્ષીય બાળકીની ગત મંગળવારે મધરાતે કરવડ ગામે દમણગંગા નદી કિનારા નજીકથી હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. ધટનાની વાયુવેગે જાણ થતા લોકોમાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસ હરકતમાં આવી અલગ અલગ જગ્યાએ કેમેરાની ચકાસણી કરતા એક શખ્સ બાળકીને લઇ જતા કેદ થયો હતો. પોલીસે જુદી જુદી ટીમો બનાવી સ્થાનિક રહીશોની મદદથી ફુટેજના આધારે આરોપીની ઓળખ થયા બાદ મળેલી માહિતીના આધારે ગણતરીના કલાકોમાં 50 વર્ષીય મુસ્લિમ આરોપીને કરવડ ગામની સીમમાંથી પકડી પાડ્યો હતો.
પોલીસે વધુ માહિતી અને પુરાવા એકત્રિત કરવાના આધાર પર આજે ગુરૂવારે આરોપીને કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડની માંગણી કરાયા બાદ ડીજીપી અનિલ ત્રિપાઠીએ ગંભીર જધન્ય ગુનામાં ધારદાર દલીલો કરતા કોર્ટે 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
આરોપીની પૂછપરછમાં તેણે ગુનાની કબુલાત કરી હતી. આરોપી બાળકીને લલચાવી એકાંત સ્થળે લઇ ગયા બાદ હવસ સંતોષી ગળુ દબાવી ઢીમ ઢાળી દીધું હતું. યુપી ખાતે રહેતો આરોપી મહારાષ્ટ્રના સતારા બાદ સાત વર્ષથી વાપીમાં મજૂરી કામ કરતો હતો.
મુસ્લિમ પરિવારની માસૂમ બાળકીના અપહરણ, બળાત્કાર અને હત્યાના ગુનામાં પોલીસે ગંભીરતાથી નરાધમને દબોચી લીધો હતો. પોલીસવડા ડો.કરનરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે આ ખૂબ ગંભીર અપરાધમાં પોલીસ દ્રારા લોકોના નિવેદનો, મેડિકલ રિપોર્ટ અને પુરાવા સાથે 20 દિવસમાં આરોપી સામે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાશે અને આ કેસ ફાસ્ટ કોર્ટમાં ચલાવવા દરખાસ્ત પણ કરાશે એમ જણાવી આ ગંભીર ગુનામાં નવા કાયદા મુજબ 376 એબી મુજબ ફાંસીની પણ જોગવાઇ હોવાનું ઉમેર્યુ હતું. 5 દિવસ સુધી આરોપીએ બાળકીને ચોકલેટ અને કુરકુરે આપી લલચાવ્યા બાદ આ કૃત્ય કર્યુ હતું.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!