ગુજરાત એલર્ટ | વલસાડ
હાલ વર્ષા ઋતુ પૂર્ણ થતા શિયાળાની શરૂઆત થઈ છે. વાતાવરણમાં ફેરફારને કારણે પુરતી ઠંડી ન પડતા ગરમી પડી રહી છે. જેને કારણે આ સિઝનમાં તાવના કેસનું પ્રમાણ વધે છે. તાવ ઘણા પ્રકારના હોઇ શકે જેથી જ્યારે તાવ આવે ત્યારે તાત્કાલિક ધોરણે તાવની તપાસ કરવામાં આવે તો નિદાન થઇ શકે છે. કોઇ પણ તાવ ડેંગ્યુ મલેરિયાનો તાવ હોઇ શકે છે, તાવને અવગણશો નહીં.
વલસાડ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. કે. પી. પટેલે જણાવ્યું કે, ડેંગ્યુ અને મેલેરિયા મચ્છરથી ફેલાતો રોગ છે. જો મચ્છરની ઉત્પતિ અટકાવવામાં આવે તો, ડેગ્યુ અને મેલેરિયાને અટકાવી શકાય છે. ડેંગ્યુના મચ્છર ચોખ્ખા પાણીમાં જ ઉત્પન્ન થાય છે અને ફક્ત દિવસ દરમ્યાન કરડે છે, જ્યારે મેલેરિયાના મચ્છરો રાત્રે કરડે છે. ઘરની અંદર ચોખ્ખું પાણી ફ્રીઝ્ની પાછળની ટ્રે, ફુલદાની, કુંડા, કુંડાની ટ્રે, પક્ષીઓ માટે રાખવામાં આવેલુ પાણી, પાણી સંગ્રહ કરવા માટે વપરાતા સાધનો જેમ કે, પીપડા, ડોલ અન્ય સાધનો કે જેમાં પાણીનો સંગ્રહ કરવામાં આવતું હોઇ ત્યાં ૨ થી ૩ દિવસમાં ડેંગ્યુના મચ્છરો પાકવાની શરુઆત થઇ જાય છે. અને જો પાણી ખાલી ન કરવામાં આવે તો થોડા દિવસોમાં મચ્છર ઉત્પન્ન થાય છે. ઘરની બહાર રાખવામાં આવેલા પાણી સંગ્રહ માટેના પીપડા તથા અન્ય સાધનો તથા પશુઓને પાણી પીવા માટે રાખવામાં આવેલી કુંડીઓ અને હવાડામાં પણ મચ્છર પાકે છે. જરૂર ન હોઇ તો પાણીનો સંગ્રહ કરવો નહી. અડધા ગ્લાસ પાણી હોઇ તો પણ મચ્છર બને છે.
કોઇ પણ તાવ હોય એને અવગણવો જોઇએ નહી, ખાસ કરીને બાળકો, યુવાનો અને વૃધ્ધોએ વધારે તકેદારી રાખવી. જેમને ડાયાબિટીસ, બ્લડપ્રેશર તથા અન્ય કોઇ બીમારી હોઇ એમણે વધારે સાવચેતી રાખવી જરૂરી છે. યાદ રાખો, કોઇ પણ તાવ ડેંગ્યુનો તાવ હોઇ શકે, એનુ તુરંત નિદાન કરાવી જરૂર પડયે હોસ્પિટલમાં દાખલ થવુ હિતાવહ છે, ડોક્ટરને બતાવ્યાં વગર કોઇ પણ દવા લેવી નહીં.
આ પ્રકારે તાવ અથવા લક્ષણો હોય તો તાત્કાલિક લોહીની તપાસ કરાવો
ડેંગ્યુ તાવના લક્ષણોમાં સખત તાવ આવવો સાથે ખુબ જ શરીર દુખવું, સ્નાયુ અને સાંધા દુખવા, ઊલટી થવી, પેટમાં દુખવું, આંખના ડોળા પાછળ દુખવું, સખત માથુ દુખવું, ઝાડા થવા, અશક્તિ કે નબળાઇ લાગવી, બેચેની લાગવી, ચામડી પર ચકામા પડવા, પેઢામાંથી લોહી નીકળવું , શ્વાસ લેવામાં તકલીફ પડવી જેવા લક્ષણો હોઇ તો તાત્કાલિક નિદાન કરી સારવાર લેવી. ખુબ જ પાણી પીવું અને સંપૂર્ણ આરામ કરવો. ડોક્ટરની સલાહ મુજબ સારવાર લેવી જરૂરી છે.
બચાવ માટે શું કરવું?
આખી બાંયના શરીર ઢંકાય એ રીતે કપડા પહેરવા, બહાર જાવ તો ફુલ બાંયના કપડાં પહેરો. ખાસ કરીને સવારે અને સાંજે ફુલ સ્લીવના કપડાં પહેરવા જોઈએ. મોસ્કીટો રેપેલંટ વાપરવા, મચ્છર અગરબત્તીનો ઉપયોગ કરવો, બારી બારણા જરૂર ના હોઇ તો બંધ રાખવા, મચ્છરદાનીનો ઉપયોગ કરવો, મચ્છરથી બચવા માટે ક્રીમ લગાડો, સ્પ્રેનો ઉપયોગ કરો, પાણીનો સંગ્રહ ન કરો, ખુલ્લા પીપડામાં પાણી ભરેલુ હોય તો ઉપર કપડું બાંધો. પક્ષી કુંજ, ફુલ દાની, પશુ માટે પીવાનું પાણી દર બે દિવસે બદલો. અંડર ગ્રાઉંડ કે ઓવર હેડ ટાંકીઓને બંધ રાખવી.