ગુજરાત એલર્ટ । વલસાડ
નવરાત્રી પૂરી થયા બાદ પણ વલસાડમાં ખેલૈયાઓને મોજ પડી જાય એમ કોળી પટેલ સમાજ વલસાડ દ્વારા ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ સજદા સિસ્ટરના સથવારે બે દિવસીય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોઈ પણ સમાજના ખેલૈયાઓ ટ્રેડિશનલ ડ્રેસ પહેરી ભાગ લઈ શકશે. ખેલૈયાઓ માટે સ્પર્ધા પણ રાખવામાં આવી છે.
મેઘરાજાએ ખમ્મા કરતા આ વર્ષે ખેલૈયાઓને ગરબા રમવાની મજા પડી ગઈ છે. નવરાત્રી પૂર્ણ થતા જ ખેલૈયાઓ ફરી નવરાત્રી ક્યારે આવે તેની રાહ જોતા થઈ જાય છે. પરંતુ વલસાડમાં કોળી પટેલ સમાજના પ્રમુખ અને વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ દ્વારા વલસાડ તિથલ રોડ સ્થિત કોમર્સ કોલેજના ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર તા. 25.10.2023 અને તા.26.10.023 ના રોજ સાંજે 5 થી 8 વાગ્યા સુધી શેરી ગરબા સ્પર્ધા અને રાત્રે 8:30 થી 12 સુધી ટ્રેડિશનલ ડ્રેસ ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સજદા સિસ્ટર્સ પલક પંડિત અને શિવરંજની પંડિત ગરબાના તાલે ખેલૈયાઓને મોજ કરાવશે. આ ગરબા મહોત્સવની ખાસ વાત એ છે કે કોઈપણ સમાજનાં વ્યક્તિ આ ગરબા સ્પર્ધામાં ભાગ લઈ શકે છે અને તેની કોઈ ટિકિટ પણ રાખવામાં આવી નથી. આ ગરબા મહોત્સવને સફળ બનાવવા માટે મંડળના ઉપપ્રમુખ શશીભાઈ પટેલ, ખજાનચી ચંદુભાઈ પટેલ, મંત્રી રામભાઈ પટેલ, સહમંત્રી રોહિતભાઈ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય તેજલ નવીનભાઈ પટેલ, આંતરિક ઓડિટર આશિષ પટેલ તથા ગરબા મહોત્સવના મહિલા સમિતિના જીગીતસાબેન પટેલ, દર્શનાબેન પટેલ, કલ્પનાબેન પટેલ, નીતાબેન પટેલ, વૈશાલીબેન પટેલ ખૂબ જ મહેનત કરી રહ્યા છે. આ મહોત્સવ સંદર્ભે જો કોઈ માહિતીની જરૂર હોય તો કન્વીનર યોગેશ પટેલ અને સહ કન્વીનર દિપક પટેલનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.