ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ તાલુકાના પારનેરા ગામની હદમાં હાઈવેને અડીને દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ.ની નવી અતુલ પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ રવિવારના રોજ રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરાયુ હતું.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે, અતુલ ગીચ અને ઔદ્યોગિક વિસ્તાર છે. આ વિસ્તાર તેમજ કાંઠા વિસ્તાર મળીને ૧૮ ગામના લોકોએ રોણવેલ સુધી ન જવુ પડે તે માટે અતુલ ખાતે હાઈવેને અડીને આ કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યુ છે. જેને પગલે લોકોએ હવે રોણવેલ સુધી જવુ પડશે નહીં. અતુલમાં વીજ કચેરી માટે ગામના સરપંચોએ પણ રજૂઆત કરી હતી. વધુમાં મંત્રીશ્રીએ કાંઠા વિસ્તારના લોકોનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, વાવાઝોડા દરમિયાન કાંઠા વિસ્તારમાં વીજળી ડુલ થવાની સમસ્યા રહેતી હતી પરંતુ હવે અંડર ગ્રાઉન્ડ કેબલિંગના કારણે આ સમસ્યા રહેશે નહી. મંત્રીશ્રીએ નવરાત્રિ પર્વે આઠમના નોરતાની સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.
સ્વાગત પ્રવચનમાં વીજ કંપનીની સુરત કોર્પોરેટ કચેરીના મુખ્ય ઈજનેર એચ. આર. શાહે જણાવ્યું કે, આ કચેરીથી અતુલ, પારનેરા પારડી તેમજ આજુબાજુના ૧૮ ગામના ૨૧૦૪૬ વીજ ગ્રાહકોને વીજ ક્ષેત્રે વધુ સારી સેવા ખૂબ જ ઝડપી અને ઓછા ખર્ચે મળી રહે તે માટે કચેરી શરૂ કરવામાં આવી છે. ગ્રાહકોની વીજ પુરવઠા કે વીજ બીલને લગતી તમામ ફરિયાદોનું નિવારણ ઝડપથી થશે. સાથે અન્ય ૪ પેટા વિભાગીય કચેરીઓમાં રોજ બરોજની કામગીરીનું ભારણ ઓછુ થવાથી આ કચેરીઓની કાર્યક્ષમતામાં પણ વધારો થશે. આ નવી કચેરી પાછળ વાર્ષિક રૂ. ૨.૩૨ કરોડનો વધારાનો બોજો પડશે.
આ પ્રસંગે વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતું. કાર્યક્રમ દરમિયાન વલસાડ ડાંગના સંસદ સભ્ય ડો. કે.સી.પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંતભાઈ કંસારા, જિલ્લા સંગઠનના મહામંત્રી કમલેશ પટેલ, જિલ્લા સંગઠન મહામંત્રી મહેન્દ્ર ચૌધરી અને વલસાડ પ્રાંત અધિકારી આસ્થા સોલંકી સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ વીજ કંપનીના વલસાડ સર્કલના અધિક્ષક ઈજનેર પી.જી.પટેલે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વઘઇ વીજ કંપની કચેરીના નાયબ ઈજનેર એ.કે.પટેલે કર્યું હતું.
નવી કચેરીમાં આ ૧૮ ગામોનો સમાવેશ કરાયો
નવી અતુલ પેટા વિભાગીય કચેરીમાં મગોદ, મગોદડુંગરી, મેહ, અટાર, ભગોદ, દિવેદ, હરિયા, પારડી હરિયા, અતુલ, ડુંગરવાડી, ચીચવાડા, પારનેરા, પારડી પારનેરા, અટક પારડી, ચણવઈ, બિનવાડા, રાબડા અને અંજલાવ સહિત ૧૮ ગામનો સમાવેશ કરાયો છે. નવી કચેરી માટે ૩૯ અધિકારી અને કર્મચારીઓ ફાળવાયા છે. આ સિવાય ૬૬ કે.વી. મગોદ સબ સ્ટેશનના ૪ ફીડર, ૧૩૨ કે.વી. અતુલ સબ સ્ટેશનના ૫ ફીડર અને ૬૬ કે.વી. અટક પારડી સબ સ્ટેશનના ૨ ફીડર મળી કુલ ૧૧ ફીડરોનું સંચાલન અને નિભાવ આ નવી કચેરીથી કરવામાં આવશે.