ગુજરાત એલર્ટ | વલસાડ
મહાત્મા ગાંધીજીના ‘સ્વચ્છ ભારત’ના સ્વપ્નને સાકાર કરવા રાજ્ય સરકાર પ્રેરિત ‘સ્વચ્છતા એ જ સેવા’ અભિયાન વ્યાપક બન્યું છે. તેમાં પણ ખાસ કરીને નાગરિકોના જોડાણ અને જનભાગીદારીથી આ અભિયાનને બમણી ગતિ મળી છે.
વલસાડ જિલ્લાના તમામ ગામડાઓમાં સફાઈ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. આજે ગુરૂવારે ધરમપુર તાલુકાના ભૂતરૂણ, કપરાડાના નાનાપોંઢા, પારડીના ધગડમાળ, ઉમરગામના નારગોલ, વલસાડના કોસમકુવા અને વાપીના કોપરલી ગામમાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ તળાવ, જાહેર સ્થળો અને નદી કાંઠાની સફાઈ દ્વારા આ અભિયાન રંગ લાવ્યું છે. આ ઝુંબેશ હેઠળ કચરાનો યોગ્ય નિકાલ, સ્વચ્છ અને સુવ્યવસ્થિત વાતાવરણ જાળવવાના મહત્વ વિશે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કર્મચારીઓ ગ્રામજનોમાં હકારાત્મક જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.