ગુજરાત એલર્ટ | વલસાડ
નવરાત્રી પહેલાં ગરબાની પ્રેક્ટિસમાં અનેક ખેલૈયાઓનું ચાલુ ગરબે મોત થયું હોવાની ઘટનાઓને પગલે વલસાડમાં નવરાત્રી સ્થળોએ એમ્બ્યુલન્સ અને ડોક્ટરોની ટીમ તૈનાત કરવાની સૂચના વલસાડ પોલીસ દ્વારા આપવામાં આવી છે.
વલસાડમાં ડીવાયએસપીએ ગરબા આયોજકો સાથે મીટીંગનું આયોજન કર્યું હતું. યુવાનોથી લઇ આધેડોને હાર્ટ એટેક આવવાની સંભાવના રહેલી હોય તેમણે આયોજકોને નવરાત્રીમાં મેડિકલ કીટ ફરજિયાત રાખવાની સૂચના આપી હતી. શહેરી વિસ્તારમાં મોટા આયોજનોમાં ડોક્ટરને રાખવા અને ગ્રામ્ય વિસ્તારમાં સીપીઆર ટ્રેનિંગ લીધી હોય એવા વ્યક્તિનઓને રાખવા જણાવ્યું હતુ. તેમણે જણાવ્યું કે ગ્રામ્ય વિસ્તારમાં પીએચસી અને સીએચસી આરોગ્ય સેન્ટર કાર્યરત રહેશે. આ સિવાય તેમણે ફાયર સેફ્ટી પણ ફરજિયાત રાખવાનું સૂચન કર્યું હતુ.
નવરાત્રિમાં યુવાનોને કાબુ રાખવા સ્પોર્ટ્સ બાઈકર્સ પર લગામ રાખવા પણ પોલીસ પૈટ્રોલિંગ કરશે. તેમજ જો કોઇ અસામાજિક તત્વો દેખાઈ તો આયોજકો તાત્કાલિક પોલીસને ફોન કરવા માટે જણાવવામાં આવ્યું છે. તેમણે ગરબા આયોજકોને ગરબા રમાઈ રહ્યા છે ત્યાં સીસીટીવી કેમેરા તથા પાર્કિંગમાં પણ કેમેરા અને પાર્કિંગ વ્યવસ્થા પણ કરવાની સૂચના આપી હતી. આ મિટિંગમાં વલસાડ સીટી રૂલર અને પારડી અને ડુંગરીના પોલીસ કર્મચારીઓ તથા ગરબા આયોજકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.