ગુજરાત એલર્ટ । વલસાડ
પારડી ખાતે ધી પારડી એજ્યુકેશન સોસાયટી સંચાલિત નિર્મળાબેન કિશોરભાઈ દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજમાં ૧૨ ઓક્ટોબરે “પ્રી-નવરાત્રી”નું આયોજન થયુ હતું. આ પાવન અવસર દરમિયાન વિદ્યાર્થીઓની યુનિવર્સિટીની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે, તેઓ માતાજીની આરાધનાથી વંચિત ન રહે તે માટે કોલેજ દ્વારા પ્રી-નવરાત્રિનું આયોજન કરાયું હતું. રાસ ગરબા રમાડી વિદ્યાર્થીઓ પરીક્ષાના માહોલથી ટેન્શન મુક્ત થઈ આનંદ સાથે ગરબે ઘુમ્યા હતા.
વિદ્યાર્થીઓને “બેસ્ટ ડ્રેસ” અને “બેસ્ટ ગરબા એક્શન” તેમજ “ગરબા કિંગ” અને “ગરબા ક્વીન” ના ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજની પ્રાધ્યાપિકા હિતાલી પટેલ અને આકાંક્ષા પટેલે કર્યુ હતું. નિર્ણાયક તરીકે સિધ્ધિ પટેલ અને ઉષા મિસ્ત્રીએ સેવા આપી હતી. સમગ્ર આયોજન બદલ કોલેજના કેમ્પસ ડાયરેક્ટર દીપેશ શાહ અને પારડી એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ હેમંત દેસાઈએ અભિનંદન આપ્યા હતા.