ગુજરાત એલર્ટ । નવી દિલ્હી
‘મહાદેવ બેટિંગ એપ’ કેસના બે આરોપીઓ સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ ભારત અને પાકિસ્તાનમાં મહાદેવ એપ જેવી ‘ધ લાયન બુક એપ’ ચલાવતા હતા. જે તરફ હવે ઇડીએ ધ્યાન કેન્દ્રિત કર્યુ છે.
મીડિયા રિપોર્ટના અહેવાલ મુજબ તપાસમાં સામે આવ્યું છે કે ‘ધ લાયન બુક એપ’ની સક્સેસ પાર્ટી ગયા વર્ષે 20 સપ્ટેમ્બરે દુબઈની ફેરમોન્ટ હોટેલમાં યોજાઈ હતી, જેમાં બોલિવૂડના ઘણા સેલેબ્સ પણ જોડાયા હતા.આ સક્સેસ પાર્ટીમાં સંજય દત્ત, સુનીલ શેટ્ટી, સોફી ચૌધરી, સ્નેહા ઉલ્લાલ, ડેઝી શાહ અને જ્યોર્જિયા એન્ડ્રિયાની સહિત અન્ય ઘણા સ્ટાર્સ હાજર રહ્યા હતા. ‘ધ લાયન બુક એપ’ પણ મહાદેવ એપની જેમ કામ કરે છે અને તપાસમાં સામે આવ્યું છે કે બોલિવૂડના કેટલાક સેલેબ્સ દ્વારા જંગી રોકડ લઈને તેનો પ્રચાર પણ કરવામાં આવ્યો છે.
અગાઉ, મીડિયા રિપોર્ટના જણાવામાં આવ્યુ હતુ કે યુએઈમાં આયોજિત મહાદેવ એપ પ્રમોટર સૌરભ ચંદ્રાકરના લગ્ન પ્રસંગમાં ઘણા સેલેબ્સ આવ્યા હતા. સૌરભ ચંદ્રાકરનાં લગ્ન ફેબ્રુઆરીમાં થયાં હતાં અને ટાઈગર શ્રોફથી લઈને સની લિયોન, વિશાલ દદલાની અને નેહા કક્કર વગેરે દરેકે આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કેસમાં ઈડીએ રણબીર કપૂરને સમન્સ પણ મોકલ્યા હતા. રણબીર 6 ઓક્ટોબરે રાયપુરમાં ED સમક્ષ હાજર થવાનો હતો. જોકે, તેણે બે અઠવાડિયાનો સમય માંગ્યો છે.
નોંધનીય છે કે સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલે આવી ઘણી વેબ સાઇટ્સ અને એપ્સ શરૂ કરી છે, જે ઓનલાઈન કેસિનો અને સટ્ટાબાજી અને અન્ય ગેમ ઓફર કરે છે, જે ગેરકાયદેસર છે. આ બંને આરોપીઓ છત્તીસગઢના રહેવાસી છે અને અહેવાલો અનુસાર તેઓ હાલમાં દુબઈમાં છુપાયેલા છે. આ કેસમાં EDને મની લોન્ડરિંગના પુરાવા પણ મળ્યા છે અને લગભગ 417 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે.