ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડની જીએમઆરએસ મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે માનસિક આરોગ્ય વિભાગ અને નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત વિશ્વ માનસિક આરોગ્ય માસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કોલેજ હોસ્પિટલના વિદ્યાર્થીઓ અને ઇન્ટર્ન ડોક્ટરો દ્વારા સમાજમાં માનસિક રોગો અને તેને કારણે ઉદભવતી સમસ્યાઓના બાબતે લોકોમાં જાગૃતિ આવે તે માટે સિવિલ હોસ્પિટલની કેસ બારીની સામે સવારે ૧૧ કલાકે જનજાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓ અને ઇન્ટર્ન ડોક્ટરો દ્વારા નશા મુક્તિ અને બાળકોમાં જોવા મળતી ભણતરની સમસ્યા એટલે કે ડિસ્લેક્સી બાબતે નાટક ભજવી લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ બાબતોમાંથી કઈ રીતે છુટકારો મેળવવો તે બાબતની માહિતી પણ નાટક ભજવી પ્રસ્તુત કરવામાં આવી હતી. જેમાં હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવેલા દર્દીઓ તેમજ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સંબંધીઓ બહોળા પ્રમાણમાં હાજર રહ્યા હતા. હોસ્પિટલ અને કોલેજના ડિન મેડિકલ્સ વિભાગના વડા તેમજ અન્ય તબીબી સ્ટાફ અને નર્સિંગ સ્ટાફ પણ ઉત્સાહભેર હાજર રહ્યા હતા.