ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડના હિંગળાજ ભદેલી જગાલાલા ખાતે આવેલ વેકરીયા હનુમાનજીના મંદિર નજીક આવેલી ખાડીમાં ન્હાવાં પડેલ 2 વિદ્યાર્થીઓ ડુબી જતા સ્થાનિકો દ્વારા બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડાયા હતાં જ્યાં ફરજ પરના તબીબોએ બન્નેને મૃત જાહેર કર્યા હતાં.
વલસાડના હિંગળાજ ભદેલી જગાલાલા ગામે 2 વિદ્યાર્થીઓની ડુબી જવાની ઘટનામાં મળતી વિગત અનુસાર 16 વર્ષીય 2 વિદ્યાર્થીઓ હિમેશ સુનિલ ભાઈ ટંડેલ અને હાર્દિક દોલતભાઈ ટંડેલ આજરોજ રવિવારે શાળામાં રજા હોવાથી વેકરીયા હનુમાનજીના મંદિર નજીક દરિયામાં જોડાતી ખાડીમાં બપોરે 1:00 થી 2:00 વાગ્યાના સુમારે નહાવા પડ્યા હતા. જે દરમિયાન એકાએક ભરતીનું પાણી વધતા બન્ને વિદ્યાર્થીઓ પાણીમાં ડૂબી રહ્યા હોવાની માહિતી ગામના યુવાનો દ્વારા અન્ય સાથી મિત્રો અને ગામના સરપંચ તથા વિદ્યાર્થીઓના પરિવારજનોને કરવામાં આવી હતી.
ઘટનાની જાણ થતાની સાથેજ ગ્રામજનોએ વલસાડ ફાયર અને વલસાડ રૂરલ પોલીસને ઘટનાની જાણ કરી ખાડીમાં હોળકી, માછલી પકડવાની જાળ અને દોરડાની મદદથી વિદ્યાર્થીઓની શોધખોળ હાથ ધરી હતી. 2થી3 કલાકની ભારે જહેમત બાદ ફાયર તથા ગ્રામજનોની મહેનતથી વિદ્યાર્થીઓને શોધી કાઢી 108 તથા પોલીસ વાહનની મદદથી બન્ને વિદ્યાર્થીઓને વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં ફરજ પરના તબીબોએ યોગ્ય તપાસ કરી તેમને મૃત જાહેર કરતા સમગ્ર ગામમાં ગમગીની છવાઈ ગઈ હતી