ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નડગધરી ગામમાં બાળકોને દૂધ પીવા માટે મળે અને જરૂરિયાતમંદ આદિવાસી મહિલાઓ દૂધ ડેરીમાં ભરી આજીવિકા મેળવી આત્મનિર્ભર બની શકે તેવા સંનિષ્ઠ પ્રયાસના ભાગરૂપે ૯ ગાય દાનમાં આપવામાં આવી હતી. આ સાથે અત્યાર સુધીમાં કુલ ૧૫૯૧ ગૌવંશ થકી લોકોને મદદ મળી રહી છે.
આ ગૌદાન પ્રોજેક્ટના ચેરપર્સન પ્રા. ડૉ.આશા ગોહિલ દ્વારા દીકરા દીપ જયેશકુમાર ચૌહાણના ૨૫માં જન્મદિવસ નિમિત્તે વિશેષરૂપે આ ગૌદાન કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં સામાજિક કાર્યકર સ્નેહિલ દેસાઇ, પ્રભાકર યાદવ તથા ઉદયભાઈ ઉપસ્થિત રહ્યા હતા. ગામના સરપંચ તથા ગામના આગેવાનો તેમજ ધરમપુરના એડવોકેટ નોટરી હાર્દિક પટેલ, દેવરાજ કરડાણી, જાગીરીના શિક્ષિકા જાગૃતિબેન તથા શલમુભાઈએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. વલસાડ પાંજરાપોળ અને શ્રી લાલજી વેલજી શાહ ગૌશાળાના ટ્રસ્ટી અનીશ શેઠિયાના સહકારથી ૬૯મો ગૌદાન કાર્યક્રમ યોજાયો હતો.