ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ સુગર ફેક્ટરીની સામે આવેલા કોમ્પ્લેક્સમાં આગ લાગવાની ઘટનામાં નવો ખુલાસો થયો છે. શોપિંગ સેન્ટરનાં માલિકે કેમિકલ ટ્રેડિંગનો વેપાર કરનારી મહિલા સાથે કરેલાં 11 માસનાં ભાડાકરારમાં સ્પષ્ટપણે દુકાનમાં કોઈ પણ વાંધાજનક ચીજવસ્તુઓ ન રાખવાનું અને ગેરકાયદેસરની પ્રવૃત્તિ ન કરવાં જણાવ્યું હતું.
મળતી વિગતો મુજબ વલસાડ સુગર ફેક્ટરી સામે આવેલા મણીબા કોમ્પ્લેક્સ નામના શોપિંગ સેન્ટરમાં દુકાન નંબર 11 માં ગત તા. 02.10.2023 ના રોજ બપોરે ફાટી નીકળેલી આગમાં મેડિકલ સ્ટોરના સંચાલક સ્મિત દેસાઈનું મોત નીપજ્યું હતું. અને ત્યારબાદ દવાખાનું ચલાવતા અપરણિત ડોક્ટર જીનલ પટેલ પણ શુક્રવારે સાંજે સારવાર દરમિયાન હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા છે. બબ્બે આશાસ્પદ વ્યક્તિઓના મોતથી ગામ આખું સ્તબ્ધ થઈ ગયું છે. આ ખૂબ જ દુઃખદ ઘટના બની છે અને આવી ઘટના કોઈપણ સાથે ન જ બનવી જોઈએ. સૌ કોઈ લાગણીના પ્રવાહમાં જોડાયા છે અને હજુ સુધી પોલીસે ઘટનામાં જવાબદારી નક્કી ન કરી કોઈપણ વ્યક્તિને આરોપી ન બનાવતા મીડિયા પણ પોલીસ સામે આંગળી ચીંધી રહ્યું છે.
પણ પોલીસનું કામ તટસ્થ રહેવાનું છે. લાગણીના પ્રવાહમાં જોડાવાનું નથી. અને પોલીસ તે મુજબ તપાસમાં આગળ વધી રહી છે. એફએસએલ રિપોર્ટની રાહ જોઈ રહી છે. અસાધારણ ઉતાવળ ઘણી વખત નિર્દોષને પણ જેલના સળિયા ગણાવી નાખે છે.
આ કિસ્સામાં જે બહાર આવ્યું છે તે પ્રમાણે દુકાન ભાડે આપનારા ઉષાબેન પટેલે તા.25.01.2023 ના રોજ દુકાન ભાડે લેનાર પ્રિયંકા બાગલે, રહે. સીકરી, જિ. ધૂલે, મહારાષ્ટ્રને 11 માસનો નોટરાઈઝડ લીગલ ભાડા કરાર કરી દુકાન ભાડે આપી હતી. જેની શરત નં. 9 માં “તમને ભાડે આપેલ ઓફિસ વાળી મિલકતમાં કોઈ પણ વાંધાજનક કે ગેરકાયદેસરની પ્રવૃત્તિ કરવાની નથી કે તેવી કોઈ ચીજવસ્તુઓ રાખવાની નથી” એમ સ્પષ્ટ પણે જણાવ્યું હતું. છતાં દુકાનના સંચાલકોએ જોખમી ચીજવસ્તુઓ રાખતા આ દુર્ઘટના સર્જાઈ હોવાની ચર્ચા છે. જોકે આગ કયા કારણોસર લાગી તેનું કારણ તો હજી સુધી જાણી શકાયું જ નથી.
આ શોપિંગ સેન્ટર ખેતીની જગ્યામાં બનાવવામાં આવ્યું હોય જિલ્લા પંચાયતે શરતભંગ કે અન્ય કાયદાકીય કાર્યવાહી હેઠળ પગલાં લેવા પડશે. સાથે જ નેશનલ હાઇવે નં. 48 ઉપર અનેક હોટલો અને બીજા વેપાર ધંધા પણ ખેતીની જમીનમાં કાર્યરત છે. ત્યારે તેમની પણ તપાસ થવી જ જોઈએ. પરંતુ કેટલાક લોકો દુકાનમાલિકને માનવવધનાં ગુનામાં સંડોવવાની તરફેણ કરી રહ્યા છે. અને જો એવું થાય તો આખા રાજ્યમાં કોઈ પણ જગ્યાએ અધિકારી કે પદાધિકારી કે અન્ય કોઈની પણ પોતાની દુકાન કે મિલકત લીગલ એગ્રીમેન્ટ કરીને ભાડે આપી હોય અને દુકાન ભાડે લેનાર કે સંચાલકની ભૂલ કે બેદરકારીથી આવી ઘટના બને તો શું અધિકારી કે પદાધિકારી એવા મિલકતના માલિકને જવાબદાર ગણી આરોપી બનાવી દેવામાં આવશે? કે મિલકત ભાડે લેનારાં સામે પગલાં લેવાશે? આ ખૂબ જ વિચાર માંગી લેતો પ્રશ્ન છે. જોકે વલસાડ જિલ્લા પોલીસવડા ડો. કરણરાજ વાઘેલા ખૂબ જ બારીકાઈથી સમગ્ર ઘટના પર નજર રાખી રહ્યા હોઈ સૌને ન્યાય મળશે જ! બે નિર્દોષોના મોતની આ દુઃખદ ઘટનામાં આગામી દિવસોમાં કોઈ નિર્દોષ ફસાઈ ન જાય અને કસૂરવાર છટકી ન જાય તે માટેનું બેલેન્સ રાખવું પોલીસ માટે ખૂબ જ મહત્વનું બની ગયું છે.