ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ નગરપાલિકાના એન્ક્રોયમેન્ટ ઇન્સ્પેક્ટર મુન્ના ચૌહાણે વલસાડ આવાબાઈ સ્કૂલ સામે કોલ્ડ્રીંક્સની લારી નહિ હટાવવા પેટે અને હટાવવા આવે ત્યારે આગોતરી જાણકારી આપવા માટે રૂ. 2000ની લાંચ માંગી હોવાનાં મામલે વલસાડ અને ડાંગ ACB પોલીસે મુન્ના ચૌહાણની ધરપકડ કરી છે.
ACB સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ એક અરજદારે ACB ને ફરિયાદ કરી હતી કે, તે વલસાડ, હાલર રોડ, આવાબાઇ હાઇસ્કુલ સામે, ઇન્ડીયન બેંકની બાજુમાં, દિલખુશ નામે કોલ્ડ્રીંક્સની લારી ચલાવી ધંધો ચલાવે છે. ગઇ તા.19/03/2022 ના રોજ આરોપીએ અરજદારની કોલ્ડ્રીંક્સની લારી ન હટાવવા માટે રૂપિયા 2000 ની લાંચની માંગણી કરી હતી. નગરપાલિકા લારી ઉંચકવા આવે તે પહેલા અરજદારને જાણ કરશે ત્યારે લારી ત્યાંથી હટાવી લેવા અને અરજદારને દંડની કાર્યવાહીથી બચાવવા માટે 2000 રૂપિયાની લાંચની માંગણી કરી હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાઇ આવેલ છે. તેમજ વૈજ્ઞાનિક તથા જરૂરી રેકર્ડ પુરાવાઓ આધારે લાંચની માંગણીનો ગુન્હો બનતો હોવાનુ ફલિત થયું છે. આરોપીએ પોતાનો અંગત આર્થિક લાભ મેળવવા પોતાના હોદ્દાનો દૂરઉપયોગ કરી ₹ 2000ની લાંચની માંગણી કરેલ હોવાનુ ફલિત થતા પો.ઇન્સ. ડી.એમ.વસાવા, વલસાડ અને ડાંગ એ.સી.બી. પો.સ્ટે.એ આજરોજ ફરિયાદ નોંધાવતા મુન્ના ચૌહાણની ધરપકડ કરાઈ છે.
એસીબીએ અન્ય કોઈ સરકારી અધિકારી/કર્મચારી દ્વારા કરવામાં આવતા સત્તાના દુરૂપયોગ અંગેની જાણ એ.સી.બી. કચેરીના ટોલ ફ્રી નં.1064, ફોન ન, 079-22866772, ફેક્સ નં.079-2286922, ઈ-મેઈલ: astdir-acb-f2@gujarat.gov.in/વ્હોટસએપ નં.9099911055 ઉપર મોકલી આપવા અથવા કચેરી સમય દરમ્યાન અત્રે રૂબરૂ પણ સંપર્ક કરવા તથા CD દ્વારા અથવા પેનડ્રાઈવમાં પણ માહિતી મોકલવા નાગરિકોને જણાવ્યું છે.