ગુજરાત એલર્ટ । વલસાડ
આગામી દિવસોમાં નવરાત્રિના તહેવારની ઉજવણી થનાર હોવાથી વલસાડ જિલ્લામાં જાહેર શાંતિ, સલામતી જાળવવા સરઘસ કાઢવાની તેમજ સભા ભરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. જે અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એ. આર. જહાએ ગુજરાત પોલીસ અધિનિયમ – ૧૯૫૧ની કલમ-૩૭(૩) થી મળેલી સત્તાની રૂએ વલસાડ જિલ્લામાં તા. ૧૬ ઓક્ટોબર સુધી અનઅધિકૃત રીતે/ ગેરકાયદેસર રીતે ચાર કરતા વધુ માણસોની કોઈ સભા કરવી કે બોલાવવી નહી, સરઘસ કાઢવુ નહી કે દેખાવ નહી કરવા જણાવ્યું છે.
આ હુકમ સ્મશાન યાત્રા કે એસટી બસ-રેલવેમાં મુસાફરી કરવા માંગતા લોકોને, સક્ષમ અધિકારીની લેખિત પરવાનગી મેળવનાર બોનોફાઈડ વ્યક્તિને તથા સરકાર દ્વારા આયોજિત કાર્યક્રમો કે અભિયાનોને લાગુ પડશે નહી. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર મુંબઈ પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૧૩૫(૩) મુજબ અથવા ભારતીય ફોજદારી અધિનિયમ-૧૮૬૦ની કલમ-૧૮૮ અનુસાર સજાને પાત્ર થશે. જે માટે વલસાડ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ સબ ઈન્સ્પેકટરથી ઉતરતા ના હોય તેવા તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.