એક એવું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે, જ્યાં ગાંધીજીના ગ્રામ સ્વરાજનું સ્વપ્ન સાકાર કરવા અધિકારી- કર્મીઓ આપે છે પરીક્ષા

ગુજરાત એલર્ટ । વલસાડ
ગુજરાત સરકારના દરકે સરકારી દવાખાનામાં દવા અને સારવાર તો મળતી જ હોય છે પરંતુ એક એવું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે જ્યાં દવા અને સારવારની સાથે સાથે કર્મચારીઓમાં નૈતિકતાના ગુણો કેળવાય તે માટે ગાંધી જયંતિ નિમિત્તે ગાંધી જીવન ઉપર અધિકારીથી માંડી કર્મચારીઓની પરીક્ષા લેવામાં આવે છે. સાંભળીને થોડી નવાઈ લાગે પણ વર્ષ ૨૦૨૧થી ગાંધીજી તેમજ વિનોબા ભાવે સહિત મહાન વિભૂતિઓના જીવન અને તેમના મૂલ્યોનું જતન વલસાડ તાલુકાના ચણવઈ પીએચસીમાં થઈ રહ્યું છે. આ પીએચસીમાં મહિલા સશક્તિકણનું પણ શ્રેષ્ઠ દ્રષ્ટાંત જોવા મળે છે કે જે સંભવતઃ રાજ્યના અન્ય કોઈ પી.એચ.સીમાં જોવા નહીં મળે. આ સિવાય ખાસ કરીને માતા મરણ અટકાવવા સગર્ભા માતાઓ માટે સખી મંગલા પ્રોજેક્ટ હેઠળ કિચન ગાર્ડનથી માંડીને આનંદ મેળા સહિતની અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જે અન્ય પીએચસીમાં ભાગ્યે જ જોવા મળે છે. હકીકતમાં ચણવઈ પીએચસી અન્ય પીએચસીઓ માટે પ્રેરણાનું ઝરણુ સમાન બન્યું છે.
​ગુજરાત સરકાર દ્વારા આરોગ્યલક્ષી સેવાઓ સુદઢ બને તે માટે અવનવા રચનાત્મક પ્રવૃત્તિ સાથેના વિવિધ પ્રોજેકટો અમલમાં મુકવામાં આવે છે. સરકારી દવાખાનાઓ હવે આધુનિક સુવિધાઓ સાથે હાઈટેક બની રહ્યા છે પરંતુ આરોગ્ય કર્મચારીઓનો દર્દી સાથેનો નાતો પણ એટલો જ મહત્વનો છે. જેના ઉપર વિશેષ ભાર મુકી વલસાડ તાલુકાના ચણવઈ ગામના પીએચસીના મેડિકલ ઓફિસર ડો. રાધિકાબેન ટીક્કુએ સમાજ સેવા અને નૈતિકતાના મૂલ્યો કર્મચારીઓમાં પણ જળવાઈ રહે તે માટે નવો ચીલો ચાતર્યો છે. સ્કૂલમાં જે રીતે બાળકોની પરીક્ષા લેવાય તેમ ગાંધી જંયતિ નિમિત્તે તેઓ દર વર્ષે પોતાના ૬૩ કર્મચારીઓની ગાંધીજી અને વિનોબા ભાવે જેવા મહાન વિભૂતિઓના જીવન વિષય પર કર્મચારીઓની પરીક્ષા લે છે. જે માટે કર્મચારીઓને પરીક્ષાની તૈયારી કરવા એક માસ અગાઉ વિના મૂલ્યે પુસ્તકો પણ વાંચન માટે આપવામાં આવે છે. પરીક્ષામાં ઉતિર્ણ થનારને પ્રમાણપત્ર એનાયત થાય છે.
​આ અંગે માહિતી આપતા ડો. રાધિકા ટીક્કુ જણાવે છે કે, પ્રેરણાત્મક અભિગમ સાથે ગાંધીજીના ગ્રામ સ્વરાજનું સ્વપ્ન સાકાર કરવા માટે અને તેમના મૂલ્યો જીવનમાં ઉતારવા માટે ગાંધી પરીક્ષા લેવામાં આવે છે. જેના થકી સ્ટાફનો વ્યક્તિત્વ વિકાસ થાય અને વર્કિંગ સ્કિલ પણ વધે છે. હકારાત્મક અભિગમ સાથે કામ કરવાથી કૌશલ્ય પણ વધે છે. મૌલિક વિચારોનું પણ આદાન પ્રદાન થાય છે. ગાંધીજી અને વિનોબા ભાવે સહિત સરકારની આરોગ્યલક્ષી વિવિધ યોજના, જળ પરિવર્તન અને કલાઈમેટ ચેન્જ સહિતના વિષયોની પણ પરીક્ષા લેવાય છે. માતા મરણ અટકાવવા માટે સખી મંગલા પ્રોજેકટ હેઠળ સગર્ભા માતામાં એનિમિયા અટકાવી શકાય અને લોહતત્વ મળી શકે તે માટે કિચન ગાર્ડનમાં મેથીની ભાજીનું વાવેતર કરાવાય છે. આ સિવાય સગર્ભા માતાના પોષણ માટે પ્રોટીન એક્સ પાઉડર દૂધ સાથે લેવા માટે વિના મૂલ્યે અપાય છે. કુવાંરી સગર્ભા માતાઓને દત્તક લેવામાં આવે છે. દર મંગળવારે સગર્ભા માતાના ઘરે જઈ તેમના આર્થિક, સામાજિક અને પારિવારિક પ્રશ્નોને સાંભળી તેનો ઉકેલ લવાય છે. તેઓ વધુમાં જણાવે છે કે, વર્ષ ૨૦૨૩ મિલેટ્સ યર હોવાથી હેલ્થ મેળાને આનંદ મેળા સાથે જોડી પીએચસીના દરેક કર્મચારીઓ વિસરાતી જતી મિલેટ્સ (જાડા ધાન્ય)ની વાનગી બનાવી ગરીબ દર્દીઓ, કિશોરીઓ અને સગર્ભા ધાત્રી માતાઓને વિના મૂલ્યે રાંધેલુ અન્ન આપવામાં આવે છે.

‘‘મધુશાલા’’ પ્રોજેકટથી મહિલા કર્મીઓ માટે સોનુ ખરીદવુ સરળ બન્યું

બિનવાડા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર નિલમ મકવાણાએ જણાવ્યું કે, મહિલા સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ કહી શકાય તેવો મધુશાલા પ્રોજેક્ટ ચણવઈ પીએચસીમાં ચાલે છે. મહિલા હંમેશા પોતાના બાળક અને પરિવારને પ્રાધાન્ય આપી પોતાની ઈચ્છાની તિલાંજલી આપે છે. મહિલાઓ પોતાના માટે પણ જીવે અને બચત કરી સોનાના દાગીના ખરીદી શકે તેવા શુભ આશય સાથે દર મહિને રૂ. ૫૦૦ નો ફાળો ઉઘરાવી ચિઠ્ઠી ઉછાળી જેમનું પણ નામ આવે તે મહિલાને ભેગી થયેલી તમામ રકમ આપી દે છે અને તેમાંથી કપડા નહીં પરંતુ સોનાના દાગીના જ ખરીદવાના રહે છે, જેનું બિલ પણ રજૂ કરવાનું રહે છે. આમ તો પગારમાંથી સોનુ ન ખરીદી શકાય પણ મધુશાલા પ્રોજેક્ટથી સોનુ ખરીદવુ સરળ બન્યુ છે. કેટલીક વાર ભેગી થયેલી રકમથી અમુક ઘરેણા ન ખરીદી શકાય તો તે માટે ડો. રાધિકા મેડમ આર્થિક રીતે સ્ટાફને મદદરૂપ પણ કરે છે. આકસ્મિક સમયે સોનુ પરિવાર માટે ઉપયોગી બને છે.

આ પરીક્ષાથી અમારા બાળકોમાં પણ નૈતિકતાના ગુણો કેળવાય છેઃ રશ્મી પરમાર

ચણવઈ પીએચસીના સ્ટાફ નર્સ રશ્મી પરમાર જણાવે છે કે, ગાંધીજીના મૂલ્યો જીવનમાં પ્રસ્થાપિત થાય તે માટે દર વર્ષે ગાંધી જંયતિએ પરીક્ષા લેવાય છે. કામકાજના સમયને અસર ન પહોંચે તેનું વિશેષ ધ્યાન રાખી આ પરીક્ષા વહેલી સવારમાં જ લેવાય છે. વાંચનનો શોખ કેળવાય તે માટે લાઈબ્રેરી પણ બનાવાય છે. પરીક્ષા દ્વારા દેશની મહાન વિભૂતિઓના જીવન ચરિત્ર વિશે માહિતી મળવાથી અમે અમારા બાળકોને પણ નૈતિકતાના પાઠ શીખવી શકીએ છે.

મધુશાલા પ્રોજેક્ટ હેઠળ મહિલા સશક્તિરણનું શ્રેષ્ઠ દ્રષ્ટાંત પૂરુ પાડતું વલસાડનું ચણવઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, માતા મરણ અટકાવવા સગર્ભા માતાઓને કિચન ગાર્ડન પણ બનાવી અપાય છે, કુંવારી માતાઓને દત્તક પણ લેવાય છે. સરકારની આરોગ્યલક્ષી વિવિધ યોજનાઓથી માંડીને જળ પરિવર્તન અને કલાઈમેટ ચેન્જ અંગે પણ પરીક્ષા લેવાય છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!