વલસાડની દર્દનાક ઘટના: દુકાનોમાં આગ લાગતાં બચવા માટે શટર બંધ કરી દેનારો યુવાન જીવતો ભૂંજાયો

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ તાલુકાના પારનેરા પારડી સુગર ફેક્ટરી સામે આજરોજ બપોરે અચાનક એક  દુકાનમાં આગ લાગવાની ઘટના બનતા બાજુમાં આવેલી દુકાનોને પણ આગની   ચપેટમાં આવતા જોતજોતામાં એક સાથે 12 જેટલી દુકાનો વારાફરતી આગની ચપેટમાં આવી ગઈ હતી. જેમાં બાઈક,કપડાં,દુકાનનો સામાન બળીને ખાખ થઈ ગયા હતા. આ ઘટનામાં આગથી બચવાં શટર બંધ કરી દેનારો વલસાડનો યુવાન જીવતો સળગી મરતાં લોકોનાં રૂંવાટા ઉભા થઇ ગયાં હતાં.
આગ લાગવાની જાણ ફાયરની ટીમને કરાતા અતુલ કંપની અને વલસાડ નગરપાલિકા, પારડી નગર પાલિકા મળી 6 થી વધુ ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી ગયા હતા. દુકાનની શટર બંધ હોવાથી ફાયર બ્રિગેડની ટીમને ભારે તકલીફ પડતા શટર તોડવાની ફરજ પડી હતી. એક દુકાનમાં ફટાકડાનો રો મટીરીયલમાં બ્લાસ્ટ થવાની ઘટના બાદ આગ ફાટી નીકળી હતી. આગની ઘટના બનતા વિસ્તારમાં અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો. આગની ઘટના બનતા આજુબાજુના સ્થાનિક રહીશો દોડી ગયા હતા. જ્યારે એક દુકાનમાં બ્લાસ્ટ થવાની ઘટના બનતા તેમાં ત્રણ જેટલા લોકો દાઝી જતા તેને વલસાડની સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાંમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે આગથી બચવા માટે મેડિકલ સ્ટોરમાં ફરજ બજાવતો સ્મિત દેસાઈ (રહે. લક્ષ્મીનારાયણ, કૈલાસ રોડ, વલસાડ)  એ શટર બંધ કરી દુકાનની અંદર ઘુસી ગયો હતો. પરંતુ આગ તેની દુકાનમાં પણ પ્રસરી જતાં તે બહાર નીકળી શક્યો ન હતો. પ્રથમ સ્મિત ગાયબ જણાયો હતો પરંતુ ત્યારબાદ તે આગની લપેટમાં આવતા તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હોવાનું પોલીસને જાણવાં મળ્યું હતું. આગની ઘટનાની જાણ થતા વલસાડ રૂરલ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!