ફરી ખેરગામ ગ્રામ પંચાયતની સભામાં ગટરની સમસ્યાનો કોઈ ઉકેલ નહીં: કેમ ડ્રેનેજ ટ્રીટમેન્ટ પ્લાન બાબતે નિર્ણય લેવાતો નથી?

ગુજરાત એલર્ટ | ખેરગામ
ગાંધી જયંતી નિમિત્તે દેશભરમાં સ્વચ્છતા એ જ સેવા ના મંત્ર સાથે ગ્રામ સભા પણ બોલાવવામાં આવે છે. સોમવારે ખેરગામ ગ્રામ પંચાયતના પહેલા માળે ખંડમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગ્રામ સભા ૧૧ વાગ્યા પછી મળી હતી. જેમાં ખેરગામ નગર માટે માથાના દુ:ખાવારૂપ, ગામના વિકાસને અવરોધક વરસથી ચાલતા ગટર પ્રશ્ને, મનરેગા, પ્રાથમિક શિક્ષણ, આરોગ્ય, કુપોષણ સહિતના ૨૭ મુદ્દા ચર્ચામાં લેવામાં આવ્યા હતા. વોર્ડ નં. 3 અને 13 નાં મતદારોએ અન્ય પ્રશ્નો માટે કંઈ નહીં પણ ગટરના પ્રશ્ન માટે મોટી સંખ્યામાં આવી ફરી હોબાળો મચાવી દીધો હતો. વોર્ડ નં.13 અને 3ના લોકોએ સરપંચ ઝરણાબેન પટેલને આક્રમક રજૂઆતો કરી હતી, અગાઉ ત્રણ ઠરાવ બાદ કામગીરી કરવામાં નિષ્ફળ રહેલા સરપંચે ફરી લોકોને વિશ્વાસ અપાવવાનો પ્રયત્ન કર્યો હતો અને ચોથી વખતના ઠરાવ બાદ પણ સરપંચ શું કામગીરી કરી ગામતળની સમસ્યા હલ કરવામાં શું પગલાં ભરે છે તે બાબત મહત્વની બનશે.
ખેરગામમાં ગટરનો પ્રશ્ન હવે રાજકીય મુદ્દો બની ગયો છે. લોકોના પાયાના પ્રશ્નો હલ કરવા જાગૃત ઉત્સાહી ઉપસરપંચ જગદીશ પટેલ સહિત કુલ નવ હોદ્દેદારો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ કેટલાક હોદ્દેદારો ગટરનો પ્રશ્ન હલ કરવાના મુદ્દે રાજરમત રમી હવનમાં હાડકાં નાંખવાની કામગીરી કરી રહ્યા છે. જેના કારણે ખેરગામ ગ્રામ પંચાયતમાં ત્રણવાર ઠરાવ થયા પછી પણ કામગીરી જૈસે થે જોવા મળી રહી છે. સભાની શરૂઆત ગત ગ્રામસભાની કાર્યવાહીને સરપંચે વંચાણમાં લઈ કરી હતી, સૌ પાસે શપથ લેવડાવ્યા હતા. ગત સભામાં લીધેલા નિર્ણયનાં પગલાંનો અહેવાલ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મુદ્દાની ચર્ચા કરવામાં આવી ઉપરાંત મનરેગા, પ્રાથમિક શિક્ષણ, આરોગ્ય અને કુપોષણ જેવા મુદ્દાઓ પણ સભામાં રજૂ કરાયા હતા. આજની સભાનો મુખ્ય મુદ્દો ખેરગામ ગામતળના ગટરના પ્રદૂષિત પાણીના નિકાલ બાબતે ઉપ સરપંચ જગદીશ પટેલે જણાવ્યું કે, આપણા નગરમાં ગટરનો પ્રશ્ન સૌથી જૂનો છે. એ બાબતે આપણે સમૂહમાં મળીને કોઈ ઉકેલકારક નિર્ણય લેવો જોઈએ. ગ્રામજનોની સુખાકારી એ આપણું પ્રથમ ધ્યેય હોવું જોઈએ. ગત ત્રણ ગ્રામસભામાં સરપંચ ઝરણાબેને વોર્ડ નં.13 અને 3ના લોકોને વિશ્વાસ અપાવ્યો હતો કે બજારમાં ગટરમાં જોડાણ આપીને સીધેસીધી ગંદકી કોતરડામાં ઠાલવવામાં આવે છે, જે યોગ્ય નથી. આ બાબતે નીતિવિષયક નિર્ણય લેવો જોઈએ. ગટર સમિતિની માંગ મુજબ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે પંચાયત જગા ફાળવે તો તે કાર્યરત થતા ગંદા પાણીનો પ્રશ્ન જ રહેશે નહીં. તેના માટે તથા હજુ સુધી આ ગટરનું પાણી કેમ બંધ થયું નથી એ બાબતે તમે પ્રજા સમક્ષ સરપંચ શ્રી ઉત્તર આપે
આથી સરપંચ ઝરણાં પટેલે જણાવ્યું હતું કે, પાણી બંધ કરવા માટે સભ્યો સહકાર આપતા નથી અને મને બદનામ કરવા માટે મેસેજ ફરતા કરવામાં આવ્યા છે. અમે ગટર કનેક્શન માટે કોઈ પરમિશન આપી નથી.
આથી ડેપ્યુટી સરપંચે સામો પ્રશ્ન કરી સરપંચને કહ્યું હતું કે, ચાલો માની લીધું કે તમે પરમિશન આપી નથી. તો પછી આ ગટરનાં કનેક્શન બારોબાર કરી કોતરડામાં સીધુ પાણી છોડવા મુદ્દે ગટર સમિતિને દોષિત ઠેરવો અને તેની સામે કાર્યવાહી કરો. આપણે આ બાબતે અગાઉ પણ ચર્ચા કરી ગયા છીએ કે એક ફિલ્ટર પ્લાન્ટ બનાવી આ સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે. કબ્રસ્તાનની બાજુમાં આવેલી જગ્યાએ ફિલ્ટર પ્લાન્ટ બનાવી તેને રિ-યૂઝ કરી શકાય છે અને એ માટે ગ્રામસભામાં ચર્ચા થઈ ચૂકી છે. આપણે વાત કરી ગયા છીએ કે સરકારમાં આ બાબતે એક ઠરાવ કરવો અને એ ઠરાવ પછી ગ્રામસભામાં રજૂ કરીને લોકો સમક્ષ મૂકીશું. જો વિરોધ હોય તો એસટીપીની જગ્યા બદલીશું. આથી ડેપ્યુટી સરપંચની વાત સાંભળીને ગ્રામજનોએ તેમની વાતને પણ વધાવી લીધી હતી. અને સમર્થન આપતા કેટલાંક વિપક્ષી સમર્થકો આક્રમક બની ગયા હતા અને આ બાબતે હોબાળો મચી ગયો હતો. જો કે, પોલીસ બંદોબસ્ત હોવાથી વાત વધુ વણસી ન હતી. આ બાબતે સરપંચે કહ્યું હતું કે, બજાર વિસ્તારની શ્રીજી હોટલથી પટેલ ફળિયા સ્ટુડિયો પાસે જે લાઇન કરવામાં આવી છે એ ગટરના પાણીનો સીધોસીધો નિકાલ કોતરમાં કરવામાં આવે છે એ બંધ કરી દેશું. ખેરગામના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી. આર. પઢેરીયા, જમાદાર ગુણવંતભાઈ પટેલ સહિતનાં પોલીસ સતત 3 કલાક સુધી શાંતિ વ્યવસ્થા જાળવવા માટે હાજર રહ્યા હતા.

હોલમાં જગ્યાનાં અભાવે લોકોએ બહાર ઊભા રહેવું પડ્યું

આજની વિવાદી ઉગ્ર ગ્રામ સભામાં મતદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાની જાણકારી હોવા છતાં પંચાયત વાળાએ પંચાયત ખંડની જગા બદલવી જોઈએ ખંડમાં ત્રણ પંખા ચાલે તે પણ માંદા. એટલે કે ખિચોખીચ ભરાયેલા ખંડમાં ૩૫ ડિગ્રીથી વધુ તાપમાન હોય વાતાવરણમાં ઉગ્રતાથી વધુ પરસેવો પડતો હતો. શરૂઆતમાં માઇકની વ્યવસ્થા પણ ન હતી બાદમાં તે પણ માંદુ લવાયું. સભાખંડમાં જગા ન હોય ગામતળના તમામ મતદારોએ બહાર ઊભું રહેવું પડ્યું. ગટર સમિતિના પ્રમુખ ધર્મેશ ભરૂચા ઉપ-પ્રમુખ લીના અમદાવાદી ગામના નાગરિકો રાજુ ટેલર વિગેરે સાનુકૂળ ઉકેલ માટે રજૂઆતો કરી હતી. ઈન.તલાટી કમ મંત્રી તરીકે ફૂલવંતીબેન હાજર રહ્યા હતા.

તો બજાર વિસ્તારના ગંદા પાણીનો નિકાલ ક્યાં કેવી રીતે થશે?

એક તરફ વોર્ડ નં.13 અને 3ના લોકો ત્યાંથી પસાર થતાં કોતરમાં બજારની ગંદકી મુદ્દે વિરોધમાં છે. તો બીજી તરફ આ ગંદકી દૂર કરવા માટે શું કરી શકાય એ માટે સરપંચ અવઢવમાં છે. અગાઉ ત્રણવાર લોકોને આશ્વાસન આપી ચૂક્યા પણ રસ્તો નીકળ્યો નથી. બીજી તરફ ફિલ્ટર પ્લાન્ટ મુદ્દે પણ સરપંચ તરફેણમાં હોય એવું જણાતું નથી. ત્યારે આમ ને આમ જ ચાલતું રહ્યું તો ખેરગામ બજાર વિસ્તારના ગંદા પાણીનો નિકાલ ક્યાં અને કેવી રીતે થશે? તે સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર માટે વિચારવાનો પ્રશ્ન બની જશે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!