ગુજરાત એલર્ટ | નવી દિલ્હી
દિલ્હીના સુરક્ષિત અને પોશ ગણાતા વિસ્તાર જંગપુરાના ભોગલમાં ચોરીની એક મોટી ઘટના પ્રકાશમાં આવી છે. મોડી રાત્રે દિલ્હીના ભોગલમાં ઉમરાવ જ્વેલર્સના શોરૂમમાં તાળું તોડીને ચોરોએ અંદાજે 25 કરોડ રૂપિયાની જ્વેલરીની ચોરી કરી હતી. આ સનસનાટીભરી ઘટના વિશે કહેવામાં આવી રહ્યું છે કે, લાંબા સમયના ફુલ પ્રૂફ પ્લાનિંગ બાદ ચોર જ્વેલરી શોરૂમની છત અને દિવાલમાં કાણું કરીને સ્ટ્રોંગ રૂમમાં પહોંચ્યો હતો.
પોલીસને રવિવારે મોડી રાત્રે ચોરી થયાની આશંકા છે,સીસીટીવી કેમેરા સ્કેન કરીને કડીઓ શોધી રહી.
માહિતી મળ્યા બાદ નિઝામુદ્દીન પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચી અને શંકા વ્યક્ત કરી કે, ચોરો રવિવારે મોડી રાત્રે જ્વેલરીના શોરૂમમાં ઘૂસ્યા હશે. જ્વેલરી શોરૂમ અને નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજને સ્કેન કરવા ઉપરાંત પોલીસ નજીકના લોકોની પણ પૂછપરછ કરી રહી છે. ચોરીનો કેસ નોંધ્યા બાદ તપાસમાં લાગેલી દિલ્હી પોલીસની ટીમનું કહેવું છે કે, સોમવારે જ્વેલરી શોરૂમમાં રજા હતી. મંગળવારે સવારે શોરૂમ ખુલ્યા બાદ મામલો પ્રકાશમાં આવ્યો હતો.
ભોગલ વિસ્તારના ઉમરાવ સિંહ જ્વેલરી શોરૂમના માલિક સંજીવ જૈને જણાવ્યું હતું કે, અંદાજે 20 થી 25 કરોડ રૂપિયાના દાગીના અને જ્વેલરીની ચોરીને અંજામ આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, રવિવારે રાત્રે દુકાનમાંથી બહાર નીકળતી વખતે તેમને કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. સોમવારની રજા બાદ મંગળવારે સવારે જ્યારે તેમણે શોરૂમ ખોલ્યો તો તે સ્તબ્ધ થઈ ગયા હતા. તેમણે અને તેમના સ્ટાફે શોરૂમમાં સ્ટ્રોંગ રૂમ પાસે દિવાલમાં એક મોટો હોલ જોયો. જૈને જણાવ્યું હતું કે, ચોરોએ છત અને દિવાલ તોડીને શોરૂમમાં પ્રવેશ કર્યો હતો અને આસાનીથી ચોરીને અંજામ આપ્યો હતો.
ઉમરાવ સિંહ અને મહાવીર પ્રસાદ જૈન અને જ્વેલરી શોરૂમના માલિક સંજીવ જૈને જણાવ્યું હતું કે, દુકાનમાં ઘૂસેલા ચોર હીરા અને સોના-ચાંદી જેવી મોટાભાગની કિંમતી ચીજવસ્તુઓ લઈ ગયા છે. શોરૂમમાં રાખેલી આખી જ્વેલરી ગાયબ હતી. હાલમાં તેઓએ સંપૂર્ણ ગણતરી કરી નથી, તેમ છતાં અંદાજ મુજબ ચોરોએ 20 થી 25 કરોડની કિંમતના દાગીના અને ઝવેરાત લઈ ગયા છે. પોલીસે સંજીવ જૈનની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો છે. પોલીસે શોરૂમના સ્ટાફની પણ પૂછપરછ હાથ ધરી છે.